લોકડાઉનને લીધે હોસ્પિટલ દ્વારા ફાયર એનઓસી લઈ શકયા નહીં, ફાયરના સાધનો ચાલુ હાલતમાં હતા : રાજેન્દ્ર પટેલ

અમદાવાદ,તા.૭
અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં આઠ લોકોની જિંદગીનો જીવનદીપ બૂઝાઈ ગયો છે. ત્યારે આ ગંભીર મામલે મુખ્યમંત્રીએ બે આઈએએસ અધિકારીઓની રચેલી ઉચ્ચસ્તરીય તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે શ્રેય હોસ્પિટલ અને ફાયર વિભાગને બચાવવા જાણે પોલીસ ઢાલ બનીને સુરક્ષા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે હજુ ઉચ્ચસ્તરીય કમિટી તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ કહી રહી છે કે, હાલ સમગ્ર મામલે કોઈ બેદરકારી હોય તેવું લાગી રહ્યું નથી. એટલે કે ફાયર વિભાગ અને શ્રેય હોસ્પિટલને અમદાવાદ પોલીસે કલીનચીટ આપી દીધી છે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ઝોન-૧ ડીસીપી રવિન્દ્ર પટેલે ફાયર વિભાગ અને શ્રેય હોસ્પિટલને કલીનચીટ આપી દીધી છે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ઝોન-૧ ડીસીપી રવિન્દ્ર પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અગ્નિકાંડ મામલે ફાયર વિભાગે પોલીસને એક રિપોર્ટ સોપ્યો છે. આ રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને એકિસ્ટંગ્વિશર ચાલુ હાલતમાં હતા. હોસ્પિટલની ફાયરની એનઓસી એપ્રિલ ર૦ર૦માં પૂરી થઈ ગઈ હતી. પરંતુ તે સમયે લોકડાઉન ચાલતુ હોવાથી હોસ્પિટલવાળા અરજી કરી શકયા ન હતા. પરંતુ તેની સાથે એએમસીએ કોવિડ ડેઝિનેટર હોસ્પિટલો એમઓયુ કરતા ફાયરની એનઓસી માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. પ્રાથમિક રીતે સમગ્ર મામલે કોઈ બેદરકારી છે કે, કેમ તેવા સવાલના જવાબમાં ડીસીપી રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તપાસમાં હાલ કોઈ બેદરકારી આવી નથી. હાલ સમગ્ર પ્રકરણમાં ૮ લોકોના નિવેદન લીધા છે. હજુ વધુ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે નોંધનીય છે કે ફાયર વિભાગે સોંપેલા રિપોર્ટમાં શ્રેય હોસ્પિટલે એનઓસી લીધી નથી તે જાહેર થયું છે. જયારે મ્યુનિ. દ્વારા કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે એમઓયુ કરવામાં આવ્યા ત્યારે ફાયર વિભાગે સ્થળ તપાસ કે એનઓસી અંગે તપાસ કરી હતી કે કેમ તેની વિગતવાર તપાસ કરી ટ્રસ્ટીઓ પાસેથી આ અંગે પુરાવા મેળવી રહ્યા છે.