અંકલેશ્વર, તા.૧૭
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી એમ.કોમ સેમેસ્ટર-૪નું એકાઉન્ટ-૧૧નું પ્રશ્નપત્ર પરીક્ષા અગાઉ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. અંકલેશ્વરની કડકિયા કોલેજમાંથી પેપર લીક થયું હોવાની વાત વહેતી થયા બાદ તપાસ સમિતિની રચના કરાઈ હતી. તપાસ સમિતિએ જવાબદાર પ્રાધ્યાપકને માત્ર ૧૦૦ રૂપિયા દંડ અને એક વર્ષ સુધી પરીક્ષાલક્ષી કામગીરીથી દૂર રહેવાની સજા કરતાં એનએસયુઆઈએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. તપાસ સમિતિની કામગીરી સામે એનએસયુઆઈએ સવાલો ઊઠાવ્યા છે, જેમાં સમિતિને પ્રશ્નપત્ર લીક થયાના પુરાવા મળ્યા નથી, તો પ્રોફેસર પર કાર્યવાહી કેમ કરી અને જો કાર્યવાહી કરી તો પુરાવાને ક્યા સગે-વગે કર્યા ? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર પ્રોફેસરને ફ્કત ૧૦૦ રૂપિયાનો દંડ અને પરીક્ષાની કામગીરીમાંથી બાકાત રાખવો સજા નથી એ તો પ્રોફેસરને ફાવતું મળી ગયું કહેવાય. જો જવાબદાર પ્રાધ્યાપક વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં થાય અને ૧૨૦૦ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો દરેક જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તપાસ સમિતિના સભ્ય ડૉ.વિજય જોષીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અંકલેશ્વરની કોલેજમાંથી પેપર લીક થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ બાબતે સાયબર ક્રાઈમની ટીમ પાસે પણ તપાસ કરાવવામાં આવી હતી. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી રિપોર્ટ તૈયાર કરાયો છે અને જેને સિન્ડિકેટ સમિતિની બેઠકમાં મંજૂર રાખવામાં આવ્યો છે.