(એજન્સી) તા.૮
પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને લૉકડાઉનનથી સ્થિતિને આગળ ધપાવવાની માગ કરી હતી. એવી જ રીતે મોટાભાગ અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યો પણ લૉકડાઉન અંગે તેમના અભિપ્રાય રજૂ કરી ચૂક્યાં છે .તેમનું કહેવું છે કે લૉકડાઉન હટાવવા માટે એકાએક ઉતાવળ ન કરવામાં આવે પરંતુ તબક્કાવાર રીતે લૉકડાઉન હટાવવામાં આવે. નારાયણસ્વામીએ કહ્યું હતું કે કોવિડ-૧૯ને કારણે લોકો પોતાને આઈસોલેટ કરી રહ્યાં છે અને એટલા માટે જ મેં કેન્દ્ર સરકારને લૉકડાઉન આગળ વધારવા માટે ભલામણ કરી છે. કોંગ્રેસ પ્રવક્ત પવન ખેડાને જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લૉકડાઉન અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ શાસિત તમામ રાજ્યો નિષ્ણાંતોની સલાહ લઈને જ આગળ વધી રહ્યાં છે. પવન ખેડાએ વધુમાં કહ્યું કે આજના સમયમાં કોઈ પણ સરકાર દેશ કે રાજ્યના નાગરિક સાથે ખિલવાડ કરવા માગતી નથી. ભારત સરકાર જે પણ નિર્ણય કરશે તેનું દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ પાલન કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે અને તેણે લૉકડાઉન હટાવવા માટે તબક્કાવાર પદ્ધતિનું જ પાલન કરવા ભલામણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ ભિલવાડા મોડેલને અપનાવવા અપીલ કરી છે. ત્યાં આશરે ૫ કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરાયું અને તમામ વસતીને આવરી લેવાનો પ્રયાસ કરાયો હતો. અશોક ગહલોતે કહ્યું હતું કે લોકોના જીવન અમારા માટે સૌથી કિંમતી છે. પીએમ મોદી સાથેની કોન્ફરન્સ પછી મેં બે ટાસ્ક ફોર્સની રચના કરી છે. વધુ એક ટાસ્ક ફોર્સ લૉકડાઉનને તબક્કાવાર હટાવવા માટેની તૈયારીઓ કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો વિમાન, રેલવે અને ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરાશે તો ઈન્ફેક્શન ફેલાઇ જશે. આપણે સાવચેત રહેવું પડશે. આવી તમામ વસ્તુઓને શરૂ કરતાં પહેલાં સરકારોએ સૌથી પહેલાં એવું તંત્ર ઊભું કરવું પડશે જે કોરોના વાઈરસ ન ફેલાય તે સુનિશ્ચિત કરે.