ઉના, તા. ૧૫
ઉના ગીરગઢડાનાં આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી તબીબની ખાલી જગ્યા હોય અને હોસ્પીટલમાં તબીબ ન હોવાથી દર્દીઓને વ્યાપક હાલાકી ભોગવાવી પડી રહી છે. જ્યારે આ બન્ને આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણાં સમયથી તબિબોની જગ્યા ખાલી હોય અને તાત્કાલીક જગ્યા પુરવા ભાજપ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજુઆત પણ કરેલ છે. પરંતુ સરકાર દ્વારા આ વાતને ગંભીરતાથી લેવામાં આવેલ નથી અને તબીબોની નિમણુંક કરવાનાં સંદર્ભે તા.૧૬ ફેબ્રુઆરીથી ઉના કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલનનાં મંડાણ પણ થઇ રહ્યા છે. ત્યારે આજરોજ ગીરગઢડા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં તબીબ સમયસર ન આવતા દર્દીઓના પરિવારજનોની ધીરજ ખુટતા અને ગીરગઢડા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં તાળાંબંધી કરતા લોકોનાં ટોળા એકત્ર થઇ ગયેલ અને તાત્કાલીક પોલીસ આવી પહોચતા મામલો થાળે પાડી હોસ્પીટલ કાર્યરત કરાયેલ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સમગ્ર જીલ્લામાં મહીલાઓની નશાબંધીનાં ઓપરેશન માટે પાટણ સ્થિત એક માત્ર તબીબ જય પાધરેશા હોય અને સમગ્ર જીલ્લામાં નિયત કરેલ દિવસે તબીબ નશાબંધીનાં કેમ્પમાં ઓપરેશન માટે જતા હોય તે અનુસંધાને ગુરૂવારે ગીરગઢડા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં હાજરી આપવાની હોય છે. પરંતુ આગલા ગુરૂવાર તબીબ રજા પર હોવાથી આવી શકેલ નહી એ વખતે પણ મહીલા દર્દીઓ હોસ્પીટલ પર આવેલ હોય પરંતુ સ્થાનિક હોસ્પીટલનાં સત્તાધીશો તબીબ આવવાનાં છેકે નહી તે બાબતની જાણકારી ન હોવાથી મહીલાઓ તબીબની કલાકો સુધી રાહ જોઇ હાલાકી ભોગવીને પરત ફરી જાય છે. જ્યારે આજે પણ ગુરૂવાર હોવાથી ગીરગઢડા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં સવારથી જ ૨૯ જેટલી મહીલાઓ નશબંધીનાં ઓપરેશન માટે તેમનાં પરિવારજનો તેમજ નાના બાળકોને લઇને આવી ગયેલ અને સવારથી જ તબીબની રાહ જોઇ કલાકો સુધી બેસી રહેલ દર્દીનાં પરિવારજનોની ધિરજ ખુટતા અને તબીબ ન આવતા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં તાળા બંધી કરી હોબાળા મચાવતા થોડીવાર પરંતુ વાતાવરણ તંગ બની ગયેલ અને લોકોનો રોષ વધુ ઉગ્ર ન બને તે માટે તાત્કાલીક ગીરગઢડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ આરોગ્ય કેન્દ્ર પર પહોચી ગયેલ અને ગીરગઢડા ગામનાં રાજકીય તેમજ સામાજીક આગેવાનોને આ બાબતની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે પહોચી ગયેલ હતા અને દર્દી તેમજ તેમનાં પરિવારને સમજાવાનાં પ્રયત્નો કરેલ હતા. અંતે તબીબ પણ આવી પહોચતા લોકોનો રોષ શાંત પડેલ અને પોલીસે મામલો થાળે પાડી હોસ્પીટલ કાર્યરત કરાવી હતી.
તબીબ સમયસર ન આવતા ઉશ્કેરાયેલ લોકોએ તાળાબંધી કરી

Recent Comments