(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના ચેરમેન સોનિયા ગાંધીની તબિયત શિમલામાં બગડી ગયા બાદ તેમને ફરી દિલ્હી લાવવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે સોનિયા ગાંધીએ અસ્વસ્થ હોવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમને આજે સવારે ૮.૩૦ વાગ્યાની ફ્લાઇટમાં દિલ્હી લાવવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે શિમલાના પહાડી વિસ્તારોમાં વરસાદ, હિમવર્ષાના લીધે તાપમાનમાં ઘટાડો થયો હતો. સોનિયા ગાંધીની તબિયત ખરાબ થવા માટે આને કારણરુપ ગણવામાં આવે છે. ગઇકાલે મોડી રાત્રે સિમલામાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી નીચે પહોંચી ગયું હતું. શિમલામાં તપાસ કરવાનો ઇન્કાર કરીને સોનિયા ગાંધીએ ચંદીગઢમાં તબીબી ચકાસણી કરાવી હતી અને ચંદીગઢમાં તપાસ બાદ સોનિયા ગાંધીને ખાસ વિમાનમાં દિલ્હી લવાયા હતા. સોનિયા ગાંધી પ્રિયંકાના નિર્માણ હેઠળના કોટેજને જોવા માટે શિમલા પહોંચ્યા હતા. ગાંધી અને તેમની પુત્રી ઓબેરોય ગ્રુપ રિસોર્ટમાં રોકાયા હતા.