તબ્લીગી જમાત કેસ : કોરોના મહામારી દરમિયાન તબ્લીગી જમાતના મેળાવડા મુદ્દે મીડિયાનો એક ચોક્કસ ભાગ કોમી વૈમનસ્ય ફેલાવવામાં વ્યસ્ત હતો, અધિક સચિવના સોગંદનામામાં તબ્લીગી જમાત મુદ્દે મીડિયા રિપોર્ટિંગમાં બિનજરૂરી અને નિરર્થક વાતો કરવામાં આવી : સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
કોરોના વાયરસ મહામારીના ઉલ્લંઘનમાં દિલ્હીના મરકઝ ખાતે તબ્લીગી જમાતના મેળાવડા અંગે મીડિયાના રિપોર્ટિંગ સંબંધિત કેસમાં ગુરૂવારે કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાલના દિવસોમાં અભિવ્યક્તિની આઝાદીનો સૌથી વધારે દુરૂપયોગ થયો છે. કોર્ટે સાથે જ એ માટે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, જુનિયર અધિકારી દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાને અત્યંત ઘૃણાસ્પદ અને નિર્લજ્જ પ્રતિક્રિયા તરીકે ગણાવ્યું હતું. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ ખાતે તબ્લીગી જમાતના મેળાવડા મુદ્દે ‘નફરત ફેલાવવા’ બદલ મીડિયા વિરૂદ્ધ પગલાં લેવાની માગ કરતી અરજીઓ પર સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ ટિપ્પણી કરી હતી કે, ‘‘બોલવાની આઝાદી તાજેતરના દિવસોમાં સૌથી વધુ દુરૂપયોગ કરાયેલી સ્વતંત્રમાંથી એક છે.’’ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેંચ દ્વારા કેસની સુનાવણી કરાઇ હતી. સુપ્રીમ કોર્ટ જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારો તરફથી હાજર રહેલા વકીલ દુષ્યંત દવેએ કોર્ટને કહ્યું કે, કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, અરજદારો બોલવા અને અભિવ્યક્તિની આઝાદીને કચડવાનો પ્રયાસ કરે છે. આ અંગે કોર્ટે કહ્યું કે, આ રીતે તો જે રીતે તમે જે દલીલો કરો છો તેવી જ રીતે અરજાદારો પણ બોલવા અને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર રાખે છે. નિઝામુદ્દીન મરકઝ ખાતે એકઠા થયેલા લોકો પર કોરોનાના સુપર સ્પ્રેડર હોવાનો આરોપ મુકાયો હતો જેઓ દેશ-વિદેશથી આ જમાતમાં સામેલ થવા માટે અહીં આવ્યા હતા. કેન્દ્રની મોદી સરકારે આ કેસમાં મીડિયાનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ખરાબ રિપોર્ટિંગનો કોઇપણ દાખલો સામે આવ્યો નથી. દરમિયાન કોર્ટે સોગંદનામા અંગે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, તેણે ખરાબ રિપોર્ટિંગના દાખલા અંગે જણાવવું જ પડશે અને તે અંગે શું પગલાં લીધા છે તેની માહિતી આપવી પડશે. સુપ્રીમે એવું પણ કહ્યું કે, કેન્દ્ર સરકારે ફરીથી એક સોગંદનામું દાખલ કરવું પડશે અન આ વખતે માહિતી તથા પ્રસારમ મંત્રાલયના સચિવ દ્વારા દાખલ કરવામાં આવે તથા ટીવી ચેનલો વિરૂદ્ધ લેવાયેલા પગલાંની માહિતી આપવી પડશે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, તમે જે રીતે કોર્ટમાં વર્તન કરી રહ્યો છો તે નહીં ચાલે. કેટલાક જુનિયર અધિકારી સોગંદનામું રજૂ કરે છે. તમારૂં સોગંદનામું ઉડાઉ છે અને એવું પણ કહેવાયું છે કે, ખરાબ રિપોર્ટિંગનો કોઇ દાખલો નથી. તમે કદાચ સહમત ના થાવ પરંતુ એવું કઇ રીતે કહી શકો કે, ખરાબ રિપોર્ટિંગનો કોઇ દાખલો સામે આવ્યો નથી. તબ્લીગી જમાતના સભ્યો અંગે ફેક ન્યૂઝના દાખલાનો અરજીમાં ઉલ્લેખ અંગે જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અરજદાર દ્વારા રજૂ કરાયેલા ઘટનાના સંદર્ભોનો શું વિચાર છે તે અંગે કેન્દ્રના સચિવે જણાવવું પડશે. અમને આ સોગંદનામું એકદમ ઉડાઉ લાગ્યું છે. કેટલીક ટીવી ચેનલો દ્વારા નફરત ફેલાવવા અંગે અરજદાર દ્વારા કરાયેલા આરોપો વિશે કેન્દ્રના જવાબમાં કોઇ ઉલ્લેખ નથી. કેન્દ્રના કામ વિશે પૂછતા મુખ્ય ન્યાયમૂર્તિએ આકરા શબ્દોમાં કહ્યું કે, તાજેતરનું સોગંદનામમાં ‘‘બિનજરૂરી બકવાસવાળી નિવેદનબાજી કરવી જોઇએ નહીં.’’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની સુનાવણી હવે આગામી બે અઠવાડિયા પછી થશે.