(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
કોરોના સંક્રમણની શરૂઆતના દિવસોમાં દિલ્હીમાં યોજાયેલા તબ્લીગી જમાતના ઈજતેમાને કારણે કોરોના વકર્યો હોવાના બુમબરાડા પાડી, ટીવી ચેનલો પર ડિબેટ કરી દેશભરમાં નફરત ફેલાવનાર કેટલીક ટીવી ચેનલો અને કેટલાક પ્રિન્ટ મીડિયા હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ચૂંટણી યાત્રાને કારણે ૧૩૦ જેટલા ભાજપના કાર્યકરો અને ખુદ સી.આર. પાટીલ પણ સંક્રમિત થયા છે ત્યારે કેમ ચૂપ છે. તેમણે શું સિંદુર ચાટી લીધું છે કે શું ? આપણા દેશના નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર અન્યોના જીવન સાથે ચેડાં કરવામાં જરાય શેહશરમ, સંકોચ કે ડર અનુભવતા નથી. તેમને મન સામાન્ય માણસની જિંદગીની કોઈ કિંમત ન હોય તેમ તેઓનો મનફાવે ત્યાં અને તેમ ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં જ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ ગ્રહણ કર્યા બાદ સી.આર. પાટીલે કોરોનાની ઐસી કે તૈસી કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડી સૌરાષ્ટ્રમાં કાઢેલી રેલી બાદ ભાજપના એક પછી એક નેતાઓ અને કાર્યકરો સંક્રમિત થતા અને ખુદ સી.આર. પાટીલ પણ સંક્રમિત થતા કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ સરકાર અને ભાજપ પર રોષ ઠાલવતા એક પછી એક અનેક આક્ષેપો કરી સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભારતીય જનતા પાર્ટીના ૧૩૦ સભ્યોને કોરોના થયો. તેવા તીખા બોલથી રાજયના રાજકારણમાં ગરમાવો આવે તેવી વકી છે. મોઢવાડિયાએ કહ્યું કે એક તરફ સરકાર રથયાત્રાની મંજૂરી ન આપે, સ્કૂલ બંધ રહે, બાળકો શિક્ષણ ન લઈ શકયા ત્યારે ભાજપ પ્રમુખ ભાઉની યાત્રા ગુજરાતમાં સાનથી ફરી છે. આ યાત્રાના પ્રથમ ચરણ બાદ સોરાષ્ટ્રના ભાજપના ૧૩૦ આગેવાનોને કોરોના થયો છે. કોરોના સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર છે એવો સંગીન આક્ષેપ કરતા મોઢવાડિયાએ કહ્યું કે પાટીલે ગુજરાતને અસલામતી મુકવાનું કામ કર્યું છે. ગુજરાતને કોરોના હોમનું કામ ભાજપ પ્રમુખે કર્યું છે. પહેલા નમસ્તે ટ્રમ્પ અને હવે પાટીલની યાત્રાના કારણે રાજયમાં કોરોના ફેલાયો છે.