(એજન્સી) ભુવનેશ્વર, તા.૩
ઓરિસ્સાના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબ્લીગ જમાતના કાર્યક્રમમાં હાજરી આપી રાજ્યમાં પરત ફરનાર ૭ વિદેશીઓ સહિત રર વ્યક્તિઓમાંથી ૧૭ વ્યક્તિઓનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ હાલમાં બધાને ક્વોરન્ટાઈન કરી લેવામાં આવ્યા છે. ઓરિસ્સા સરકારના કોવિડ-૧૯ અંગેના પ્રવક્તા સુબ્રોતો બાગચીએ કહ્યું હતું કે તબ્લીગ જમાતના કાર્યક્રમમાંથી પરત ફરનારાઓમાંથી અત્યાર સુધી ૧૭ વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે રાજ્ય સરકારને હજી પણ આ સ્પષ્ટ ખ્યાલ નથી કે નિઝામુદ્દીન ખાતેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યમાંથી કેટલા લોકો ગયા હતા. પરંતુ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાત વિદેશીઓ સહિત ઓછામાં ઓછા ૩૭ લોકો ઓરિસ્સાથી દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. આ સાત વિદેશીઓમાંથી છ સુદાનના નાગરિકો છે જ્યારે એક જીબૌતીનો નાગરિક છે. તેમણે જણાવ્યું હતું કે ઓરિસ્સામાં રર લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા જ્યારે દિલ્હીમાં રાજ્યના અન્ય ૧પ લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સરકાર નિઝામુદ્દીન ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર બધા લોકોને શોધવામાં વ્યસ્ત છે.