સમગ્ર વિશ્વમાં હાહાકાર સર્જનાર કોરોના વાયરસની ભારતમાં અને તે પછી ગુજરાતમાં એન્ટ્રી થઈ ત્યારથી સમગ્ર તંત્ર પ્રજાજનો સાથે મળીને કોરોના સામે જંગ જીતવાની વાતો કરવા સાથે લડત પણ ચલાવી રહ્યું હતું ત્યાં જ અઠવાડિયા અગાઉ દિલ્હી નિઝામુદ્દીનનું પ્રકરણ બહાર આવ્યું અને તે પછી તો મીડિયાવાળાઓએ રોજેરોજ જે ચલાવ્યું છે કે આખું ચિત્ર જ બદલાઈ ગયું ! અગાઉ રોજેરોજ આટલા પોઝિટિવ-નેગેટિવ અને આટલા મરણના બહાર આવતા આંકડાઓમાં એક કોલમનો ઉમેરો આ લોકોએ કરાવી દીધો. તબ્લીગી કનેકશનનો આંક ! આજે મીડિયાએ સર્જેલી સ્થિતિમાં આટલાથી પૂરું નથી થતું. આનાથી આગળ વધીને રાજ્ય તથા દેશના કેટલાક ભાગોમાં તબ્લીગીઓ સામે નફરતના અને મુસ્લિમોના બહિષ્કારના સમાચારો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શરૂ થઈ ગયેલ છે. આવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આજ સ્થિતિ આગળ ચાલતી રહી અને મીડિયાવાળા હજુ પોતાની ભૂમિકા-અખબારી ધર્મ નિભાવવામાં ચૂક કરશે તો રાજ્ય કે દેશમાં બહુ ખરાબ સ્થિતિ સર્જાય તેમ જણાઈ રહ્યું છે અને જો આવું થશે તો તેના માટેની સંપૂર્ણ જવાબદારી તેઓની જ રહેશે.
કહેવાય છે તેમ નિઝામુદ્દીન મરકઝવાળાએ ભૂલ કરી પરંતુ તે બાદ તંત્રનું અને આપણું કામ સ્થિતિ કાબૂમાં આવે કાબૂ બહાર ન જાય તે જોવાનું કે પછી તેને અખબારી મસલો ગણી ચટાકેદાર સમાચારો આધાર-પુરાવાની ચોકસાઈ કર્યા વિનાના ચલાવ્યે જ રાખવાના. અખબારી ધર્મ દરેક ન્યૂઝની ગેહરાઈમાં જઈ તેની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ પ્રસિદ્ધ કરવાના હોય છે નહીં કે કોઈકે બત્તી પકડાવી દીધી ને ચલાવ્યે રાખવાનું અથવા ચકાસણી પણ કરવાની હોય તો તેવી વ્યક્તિ પાસે ચકાસણી કરાય છે કે જે પહેલાંથી જ સામેવાળી વ્યક્તિ (એટલે કે, તબ્લીગીઓ પ્રત્યે) સૂગ ધરાવતો હોય. તો એ શું સત્ય બતાવવાનો છે ? બીજી વાત આટલા દિવસોમાં એ ધ્યાન પર આવી કે ઘણા મીડિયાવાળા તો પોતે જ તબ્લીગને લઈ કન્ફયુઝ છે. હવે તે પોતે જ કન્ફયુઝ હોય તો વાંચકો કે દર્શકોને તેઓ કેવું પીરસવાના તેની કલ્પના જ કરવી રહી. બાકી આ અઠવાડિયા દરમિયાન જેમને જે લખવું હોય તે લખ્યું છે અને દર્શાવનારાઓએ દર્શાવ્યું છે. જાણે કોણ બોલનાર કે ટોકનાર નથી. આ તો તબ્લીગના મહાન ઉપદેશો છે કે જેના કારણે તમારી સામે કોઈ મેદાને પડયું નથી ! નહીં તો તમે બીજા કોઈ ધર્મ કે સંપ્રદાયની સામે આ રીતે લખો કે દર્શાવો પછી તમને ખબર પડે ! (કેટલીય વાર મીડિયા તરફથી ખુલાસાઓ અને ક્ષમાયાચનાઓ કરવાની ફરજ પડી હોવાના કિસ્સા બધાની સામે છે જ). આ બધુ તો અઠવાડિયા દરમિયાન વિવિધ મીડિયા દ્વારા તબ્લીગીઓના ઉચ્ચારણ સાથે સતત જે ઝેર ઓકવામાં આવ્યું તેના સરવાળારૂપે અહીં દર્શાવ્યું છે. બાકી એક-એક ન્યૂઝવાઈઝ લઈએ તો તેમાં અટકળો અને પોતાની માનસિકતાના પ્રદર્શનરૂપે ઘણું-બધું લખાયું છે. જ્વલ્લેજ કિસ્સામાં સાચું રિપોર્ટીંગ થયું છે. બાકી મોટાભાગના ન્યૂજ તો એસી ચેમ્બરમાં બેસી બત્તીઓ પકડીને ઠોકે રાખ્યા છે. સમયને લઈ અહીં એક-બે ઉદાહરણ જ અપાયા છે. જેમાં એક અખબારે બે દિવસ પહેલાં લખ્યું હતું કે, અમદાવાદની સુબરાતીશા મસ્જિદમાં સંતાયેલા તબ્લીગીઓને ક્વોરન્ટાઈન માટે પકડીને લઈ જવાયા. તેનો જવાબ એ છે કે, આ લોકો સંતાયેલા ન હતા ઓન-પોલીસ રેકર્ડ કાયદેસર પોલીસ એન્ટ્રી સાથે મસ્જિદમાં જમાતરૂપે રહેનારા હતા અને સામેથી મ્યુનિ. તંત્ર પોલીસ વગેરેને જાણ કરી તપાસ માટે ગયેલા છે. બીજું ઉદાહરણ બે-ચાર દિ’ પહેલાં કાલુપુર-દરિયાપુરની એક જ ફેમિલીનો પોઝિટિવ આવતાં તેને પણ નિઝામુદ્દીન કનેકશન દર્શાવ્યું હતું. તેનો ખુલાસો એ છે કે, દરિયાપુરની મલેક મસ્જિદમાં તબ્લીગી જમાતની કરાવાયેલી તપાસમાં તે દિવસે એક વ્યક્તિને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેનું આ ફેમિલી સાથે કનેકશન દર્શાવી દીધું. જ્યારે કે પેલી ફેમિલી ગાંધી કુટુંબ છે. અમદાવાદની જ રહેવાસી છે અને ઉદેપુર જઈને આવતાં ચેપ લાગવાની તેમની હિસ્ટ્રી છે. જ્યારે પેલી જમાતની વ્યક્તિ અન્ય રાજ્યમાંથી આવેલ જમાતમાંથી હતી. તેઓને કોઈ લેવા-દેવા ના હોવા છતાં કનેકશન દર્શાવી દેવાયું હતું. આવા તો ઘણા ન્યૂઝ છે આજે પ્રસિદ્ધ થયેલ ન્યૂઝ સહિત પરંતુ તે બધા ગણાવવાનો સમય નથી. બસ કહેવું એટલું જ કે પ્રસંગો-બનાવો તો બનતા રહે પરંતુ આપણે આપણો અખબારી ધર્મ યોગ્ય રીતે નિભાવવો જોઈએ. (આપણી લાગણીઓ- માનસિકતાને કોરાણે મૂકીને)
બીજું પાસું છે વર્તમાન ઈશ્યુનો, તો તે એ છે કે, તબ્લીગ શું છે ? તે અંગે ફેલાયેલી કે ફેલાવાયેલી ગેરસમજ દૂર કરવાનો અહીં પ્રયાસ કરાયો છે. તબ્લીગ એ કોઈ સંગઠન કે સંસ્થા નથી કેમ કે, સંસ્થા-સંગઠનમાં એક ચોક્કસ માળખું હોય અને તેના હોદ્દેદારો નક્કી થતાં હોય છે તથા તેના નિયમો મુજબ ચાલવાનું હોય છે. તબ્લીગ તો એક વિચારધારા-ચળવળ છે અને એ પણ સ્વૈચ્છિક. વિચારધારા પણ પોતાના માટેની નહીં અન્યો માટેની, સમગ્ર માનવજાત માટેની, પોતાની જાત સિવાય અન્ય લોકોને મહત્ત્વ આપવું, દરેક માટે વિચારવું, પોતાની જાતથી કોઈને નુકસાન માત્ર ન પહોંચે તે સતત જોતા રહેવાનું શીખવતી આ તબ્લીગ શું માનવજાતને મુશ્કેલીમાં નાંખી શકે ? તબ્લીગમાં કોઈનેય નુકસાન ન પહોંચાડવાનું, દરેકને માન-સન્માન આપવાનું (જેમાં સગા-પાડોશી-દેશવાસી બધા આવી જાય) શીખવવામાં આવે છે. તબ્લીગ જમાત સામે ધાર્મિક પ્રચાર કરવાના એટલે કે, અન્ય ધર્મના લોકોમાં ઈસ્લામનો પ્રચાર કરવાના આક્ષેપો કરાય છે ત્યારે હકીકત એ છે કે, તેઓ માત્ર મુસ્લિમ સમાજમાં જ સત્ય માર્ગે બધા ચાલે તે માટે કામ કરતા હોય છે. એક શહેર બીજા શહેર ગામમાં ફરીને મસ્જિદોમાં રહીને ફકત મુસ્લિમોમાં ફરીને તબ્લીગ કરતાં હોય છે. એટલે જ આનું નામ તબ્લીગ પડયું છે. તેઓનો ધ્યેય દરેક લોકો વર્તમાન જીવનથી લઈ મૃત્યુ પછીના જીવનમાં સફળ થઈ જાય તેનો છે. આમાં ઉચ્ચ સંસ્કારો પીરસવામાં આવે છે. આવી તબ્લીગ જમાત વિશે ભારે ઉહાપોહ મચાવાઈ રહ્યો છે અને તેની સાથે સમગ્ર મુસ્લિમોને પણ દોષિત નજરથી જોવાનું કેટલું વ્યાજબી છે. નિઝામુદ્દીન મરકઝનો કાર્યક્રમ ખરેખર તો દિલ્હી સરકારના સબ સલામતના દાવા પહેલાંનો હતો અને તેમાંથી તબક્કાવાર બધા રવાના થતા ગયા તેમાં અમુક લોકો ટ્રેનની રિઝર્વેશનની રાહમાં હતા. તે દરમિયાન લોકડાઉન જાહેર થયો તો તેઓ બધા ફસાઈ ગયા હતા ત્યારે તેની સામે મરકઝમાં આટલા બધા તબ્લીગીઓ છૂપાયેલા મળી આવ્યા તેવા શીર્ષક સાથેના ન્યૂઝ પ્રસાર જોરશોરથી કરાવાનો આરંભ થયો હતો. જો કે, મરકઝમાં આવતી તમામ જમાતોની પોલીસ ચોપડે નોંધ રખાવવાનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે તો પોલીસ તથા સત્તાવાળાઓ કેમ બેખબર રહ્યા ?
બીજો મુદ્દો અગત્યનો એ છે કે, જે તે રાજ્યો સહિત દેશભરમાં તબ્લીગ જમાતનું એક જૂથ એવું છે કે તે નિઝામુદ્દીન મરકઝ જતું નથી, તેનાથી અલગ છે. તેની જમાતો પણ ત્યાં જતી નથી પરંતુ દેશભરમાં જતી રહે છે ત્યારે આ અલગ જૂથની જે તબ્લીગ જમાતો છે તેને પણ આમાં કસામેલ કરી દઈ તેમની સામે પણ આ જ પ્રકારના આક્ષેપો સાથે મસ્જિદોમાં સંતાયેલા તબ્લીગીઓના મથાળા સાથે સમાચારો ચલાવાઈ રહ્યા છે તે કેટલું વ્યાજબી છે. આ અલગ જૂથની જમાતો દિલ્હી ગઈ જ નથી અને જતી પણ નથી તે પછી ૪૦ દિવસ (ચિલ્લાની) જમાત હોય કે ૪ માસની જમાત હોય કોઈપણ ત્યાં જતું નથી પછી શા માટે તેને સાથે સામેલ કરાય છે. એટલું જ નહીં આ જમાતો અંગેની સઘળી હકીકતથી પોલીસ તંત્ર, આઈ.બી. વગેરે સરકારી એજન્સીઓ વાકેફ છે છતાં કેમ કોઈ ખુલાસો કરતું નથી અને મીડિયાવાળા પણ પૂરતી ચકાસણી કર્યા વિના બધુ ચલાવ્યે રાખે છે.
એકલા ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં આ તબ્લીગી જમાતોની એક સિસ્ટમ છે કે જે તે રાજ્યના શહેરોમાં તે જાય એટલે તે શહેરની મુખ્ય મસ્જિદ અથવા મરકઝવાળાઓ તરત જ સ્થાનિક પોલીસ તંત્રને સમગ્ર જમાતની ડિટેઈલ લેખિતમાં આપી દેતા હોય છે. એટલે કે સરકારી પોલીસ દફતરે તેની સમગ્ર નોંધી હોય છે. આમ દેશભરમાં આ સિસ્ટમનો અમલ થાય છે. એટલું જ નહીં તબ્લીગ જમાતના દરેક મેળાવળા (ઈજતેમા-જેવા ધાર્મિક કાર્યક્રમો)માં આઈ.બી.ના માણસો હાજર હોય છે. એટલે કે તબ્લીગી જમાતની તમામ પ્રકારની સઘળી કામગીરીથી દેશની પોલીસ સહિતની એજન્સીઓ સંપૂર્ણપણે માહિતગાર છે અને છે જ. પરંતુ અમુક હરખપદુડા મીડિયાવાળા આ સઘળી હકીકતથી વાકેફ નથી અને એટલે જ તબ્લીગ જમાતની વિરૂદ્ધમાં પોતાની માનસિકતા છતી કરી ઝેર ઓકી રહ્યા છે.
છેલ્લે હવે વાત કરવાની સરકારી તંત્રની, પોલીસ-આઈબી કોના ? સરકારના તો સરકાર પણ બધુ જાણતી હોવા છતાં મીડિયાને કેમ ઝેર ઓકવા દે છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક લખાણ માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચને તરત એકશન લેવાના આદેશ સાથે કાર્યરત કરાય છે તો પછી આ રીતે ઉશ્કેરણીજનક ગેરસમજપૂર્વકના સમાચારો ચલાવ્યે રાખવા બદલ કેમ કોઈ એકશન સરકાર લેતી નથી ? અથવા તો કેમ તેને અટકાવાતા નથી ? તેવા પ્રશ્નો સમજૂ લોકોમાં ઉઠી રહ્યા છે. બીજો મુદ્દો એ છે કે, દિલ્હી જેઓ ગયા નથી તેવી અલગ જૂથની જમાતોની મસ્જિદોમાંથી લઈ જઈ (તેઓમાં રોગના કોઈ લક્ષણો ન હોવા છતાં) તપાસ કરવા ઉપરાંત ક્વોરોન્ટાઈન કરાય છે તો નિઝામુદ્દીન મરકઝથી નીકળેલા લોકો-જમાતો જે ટ્રેનોમાં બેસી ગુજરાત આવ્યા તે ટ્રેનોમાં (એકમાં ૧પ૦૦ ગણીએ તો) બેથી ત્રણ હજાર જેટલા અન્ય મુસાફરો તેમની સાથે ગુજરાતમાં આવ્યા તેમની તપાસ કેમ નહીં ? જેમાં અમુક ગુજરાતના હશે તો તેઓ પોતાના ઘરોમાં ગયા બાકી જે ધંધાર્થે આવેલા કે બહારના તેઓ હોટલ-ગેસ્ટ હાઉસ વગેરેમાં રોકાયા તેમની તપાસનું શું ? રેલવે તંત્ર પાસેથી રિઝર્વેશનની યાદી મેળવી આ તબ્લીગી જમાતના લોકો સાથે મુસાફરી કરનારાની તપાસ કરી શકાય તેમ છે તો શું તે થઈ ખરી ? આ બધી કામગીરી એટલે કે, કોરોના વાયરસ પ્રસરતો અટકાવવા માટે ખરેખર જે લેવાના પગલાં છે તેમાં જ તંત્ર રોકાયેલું છે અને તેના જ ખાસ પગલાં તર્કબદ્ધ રીતે લેવાવા જોઈએ ત્યારે બીજી તરફ તબ્લીગ જમાતના ઉહાપોહને લઈ સરકારી મશીનરીને અન્ય કામગીરી તરફ વ્યસ્ત કરાશે તો જરૂરી કામગીરી લેટ થશે અને તેનાથી સંક્રમણ વધવાના ખતરો વધી જશે.