(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૪
વિશ્વના મુસ્લિમો માટે છેલ્લા ૧૦૦ વર્ષમાં તબ્લીગી જમાઅત સૌથી શક્તિશાળી ચળવળ સાબિત થઈ છે. ભારત સહિત દુનિયાનાં ૨૦૦ જેટલા દેશોમાં દાયકાઓથી સંપૂર્ણ ચોખ્ખી અને પારદર્શક રીતે લોકોના જીવન સુધાર માટે ચાલતી તબ્લીગી જમાઅત પર આજ સુધી કોઈપણ પ્રકારનો દાગ લાગ્યો નથી. આ જમાઅતની સંપૂર્ણ ગતિવિધિ આઈબી સહિત સરકારી સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટમાં પણ રેકોર્ડેડ રહે છે. આ જમાઅત વિશે સોશિયલ મીડિયામાં બે દિવસથી એક વીડિયો વાયરલ થયેલ જેમાં પોરબંદરના શબ્બીર હમદાણી નામના વ્યક્તિએ તબ્લીગી જમાઅત અને દેવબંદી મદ્રેસા વિરૂદ્ધ બેફામ વાણી-વિલાસ કરી આ જમાઅતને એક આતંકી જમાઅત ગણાવી, તેમાં જણાવે છે કે તબ્લીગી જમાઅતને જેટલાં ફોલો કરે છે બધા આતંકી અને ઝનૂની અને કટ્ટરવાદીઓ હોય છે. તેઓ સ્યુસાઈડ કોરોના વાયરસથી આતંક મચાવે છે. તબ્લીગી જમાઅત આતંકીઓના સંગઠનનું ગીરોહ છે અને તેનું હેડ ક્વાર્ટર હિન્દુસ્તાનમાં દેવબંદ છે. દરેક ગામમાં એમનાં મદ્રેસાઓ છે જ્યાં પણ ઝનૂની અને આતંકી પ્રવૃત્તિ શિખવવામાં આવે છે. આવી ખુલ્લેઆમ બફાટ કરી એક જમાઅતને બીજી જમાઅતથી આપસમાં તેમજ હિન્દુઓને મુસ્લિમોથી કોમી વૈમનસ્ય ઊભું કરાવી કોમી રમખાણ કરે તેવાં વિધાનો પણ કરેલ છે. તબ્લીગી – દેવબંદી સાથે ખોટી માનસિકતા ધરાવતા પોરબંદરના શબ્બીર અ.સત્તાર હમદાણીએ કોરોના બાબતે બિનજવાબદાર નિવેદન કરવા તથા તબ્લીગ જમાઅત વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરી તેની તથા તેનાં અનુયાયીઓની બદનામી કરવા તેમજ ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપનાર દેવબંધ મદ્રેસા વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરી, દેવબંદી મદ્રેસામાં હિન્દુઓને મારી નાખવા બાબતે ખોટી અફવા ફેલાવી દેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળે એવા નિવેદન કરી પૂર્વાયોજિત કાવતરૂં કરી, પત્રકારોને બોલાવીને મીડિયામાં વાયરલ કરીને તથા પોતે હજ કમિટીનાં પૂર્વ ડાયરેક્ટર હોવાનું ખોટું જાહેર કરીને ગુનો કરેલ હોય અને દેશ વિરૂદ્ધ ષડયંત્ર કરેલ હોય તેની વિરૂદ્ધ કાયદેસર થવા માંગરોળના મુસ્લિમ સમાજના આગેવાન અને એક્ટિવિસ્ટ યુસુફભાઈ ચાંદે પોરબંદરના શબ્બીર હમદાણી અને અન્ય એક વ્યક્તિ પર માંગરોળ પોલીસમાં ફરિયાદ દાખલ કરી સખત પગલા લેવા માંગ કરી છે. આ વિશે માંગરોળના ડીવાયએસપી સ્મિત ગોહેલે એસપી સાથે ચર્ચા કરીને સખત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કોરોના વાયરસને લઈને તબ્લીગી જમાઅત પર થઈ રહેલા આક્ષેપો વિશે યુસુફ ચાંદ એવું જણાવે છે કે આ તમામ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે આજે નહીં તો કાલે આ વિશે સત્ય જરૂર સામે આવશે.