(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
ઉત્તરપૂર્વ દિલ્હીમાં સર્જાયેલી હિંસા દરમિયાન એક પત્રકારને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ‘જનચોક’ના પત્રકાર સુશીલ માનવે એવો આરોપ મૂક્યો કે હિંસાગ્રસ્ત વિસ્તારમાં વીડિયો બનાવતી વખતે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને ખતના બતાવવા માટે તેમનું પેન્ટ ઉતારવા મજબૂર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ મૌજપુરની ૭ નંબરની લેનથી પસાર થઇ રહ્યા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. તેમણે એવું પણ કહ્યું કે તે સમયે થિયેટર સાથે જોડાયેલા અવધૂ આઝાદ ગાડી ચલાવી રહ્યા હતા અને તેઓ પાછળ બેઠેલા હતા. આ જ સ્થળે સોમવારે એક હેડ કોન્સ્ટેબલને ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. સુશીલ માનવે સમગ્ર ઘટનાનું વર્ણન કરતા પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે મૌજપુર ગલી નંબર ૭ની સામે રતન લાલની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ જ ગલી નંબર ૭માં ભગવા આતંકવાદીઓએ બુધવારે બપોરે અમારા બંને પર જીવલેણ હુમલો કર્યો હતો. બસ મરતા-મરતા બચી ગયા છીએ. તેમણે કહ્યું કે ભગવા આતંકવાદીઓએ અમારા પેટ પર તમંચો મૂકીને અમારૂં પેન્ટ ઉતરાવ્યું હતું. યોગ્ય સમયે એક પોલીસ કર્મચારીના હસ્તક્ષેપથી અમારો જીવ બચ્યો. સુશીલ માનવે જણાવ્યું કેે ત્યાર પછી હુમલાખોરોેએ હનુમાન ચાલીસા સંભળાવવાનું કહ્યું. તેઓના કહેવાથી અમે હનુમાન ચાલીસા સંભળાવ્યો. ત્યાર પછી અન્ય એક વ્યક્તિ આવીને ફરી બોલી કે મને ફરી હનુમાન ચાલીસા સંભળાવો. ત્યાર પછી તેઓએ મારૂં અને મારા મિત્રના પેન્ટ ઉતરાવ્યા. પેન્ટ ઉતરાવીને તેઓેએ બે વાર ચકાસ્યું અને પછી કહ્યું કે હા, આ હિન્દુ જ છે. જોકે, તે પછી પણ સુશીલનો ફોન છીનવીને લઇ ગયા અને પૈસા લઇ લેવામાં આવ્યા.