(એજન્સી) વોશિગ્ટન, તા. ૧૩
અમેરિકી રાષ્ટ્રપતિ પોતાની ટીમમાં એક મોટો ફેરફાર કરીને ટોચના સાથી વિદેશ મંત્રી રેક્ષ ટિલરસનને હટાવી દીધાં છે અને તેમની જગ્યાએ સીઆઈએ ડિરેક્ટર માઈક પોમ્પિયોને નિયુક્ત કર્યાં. ટ્રંપે સોમવારે એક ટ્‌વીટ કરીને આ વાતની માહિતી આપી. ટ્રંપે ટ્‌વીટ કરતાં કહ્યું કે માઈક પોમ્પિયો હવે આપણા નવા વિદેશ મંત્રી છે. તેઓ ઘણું સારૂ કામ કરશે. એવી આશા છે. રેક્સ ટિલરસન તમારી સેવાઓ બદલ ધન્યવાદ. જીના હાસ્પેલ સીઆઈએની નવી ડિરેક્ટર બનશે. ફેબ્રુઆરી ૨૦૧૭ માં રેક્સના પદભાર સંભાળ્યાં બાદ તેમના અને ટ્રંપ વચ્ચે ઘણા મતભેદો બહાર આવ્યાં હતા. ટિલરસન જ્યારે ઉત્તર કોરિયાની સાથે પરમાણુ કાર્યક્રમ પર રાજદ્વારી સમાધાન શોધવાની કોશિશ કરી રહ્યાં હતા અને લગાતાર ઉત્તર કોરિયાના સંપર્કમાં હતા ત્યારે તેમની બન્નેની વચ્ચે નવો મતભેદ સપાટી પર આવ્યો હતો. ટિલરસનના આ પ્રયાસ પર ટ્રંપે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે રેક્સ પોતાનો સમય બગાડી રહ્યાં છે. ટ્રંપે કહ્યું કે નવા વિદેશ મંત્રી અને સીઆઈએ ડિરેક્ટરને નિયુક્ત કરતાં મને ગર્વ થાય છે.