(એજન્સી) તા.૫
સુપ્રીમ કોર્ટે વૈવાહિક મામલામાં જીવનનિર્વાહ ભથ્થાના પેમેન્ટ પર દિશા નિર્દેશ જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે તમામ કેસમાં જીવનનિર્વાહ ભથ્થુ કે ખાધાખોરાકી અરજી દાખલ કર્યાની તારીખથી આપવી જોઇએ. રાજેશ વિરુદ્ધ નેહાના કેસમાં ન્યાયમૂર્તિ ઇંદુ મલ્હોત્રા અને આર સુભાષ રેડ્ડીની બનેલી બેંચે એક ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે સીઆરપીસીની કલમ ૧૨૫ સહિત તમામ કેસોમાં અરજીની તારીખથી જ જીવન નિર્વાહ ભથ્થું આપવું યોગ્ય ગણાશે. આ અંગે વૈવાહિક મામલામાં અદાલતે જીવનનિર્વાહ ભથ્થાની ચૂકવણી અંગેની વ્યાપક ગાઇડ લાઇન્સ જારી કરી છે. અદાલતે નોંધ્યું હતું કે સીઆરપીસીની કલમ ૧૨૫ (૨)માં એવી જોગવાઇ છે કે મેજીસ્ટ્રેટ આદેશની તારીખથી અથવા અરજીની તારીખથી જીવનનિર્વાહ ભથ્થાની ચૂકવણી અંગે આદેશ કરી શકે છે. એવું પણ નોંધવામાં આવ્યું હતું કે હિંદુ મેરેજ એક્ટ કે ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટમાં કઇ તારીખથી જીવનનિર્વાહ ભથ્થું આપવું જોઇએ એ અંગેની કોઇ જોગવાઇ નથી. અદાલતે નોંધ્યું હતું કે ફેમિલી કોટ્‌ર્સ દ્વારા આ અંગે વિવિધ મત લેવામાં આવ્યાં છે જેમાં જીવન નિર્વાહ માટેની અરજી દાખલ કરવામાં આવી હોય તે તારીખથી અથવા તો જીવન નિર્વાહ મંજૂર કરતાં આદેશની તારીખથી અને ત્રીજું પ્રતિવાદીને જે તારીખે સમન્સની બજવણી થઇ હોય તે તારીખથી જીવન નિર્વાહ ભથ્થુ ચૂકવવાના આદેશો થતાં હતાં. અનેક આ પ્રકારના હાઇકોર્ટના ચુકદાઓનો ઉલ્લેખ કરી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું છે કે અદાલતને સીઆરપીસીની કલમ-૧૨૫ (૨) હેઠળ અરજીની તારખથી અથવા આદેશની તારીખથી જીવન નિર્વાહ ભથ્થા ચૂકવવાની ન્યાયિક મુનસફી પર સત્તા આપવામાં આવી હોવા છતાં કલમ-૧૨૫ સહિત તમામ કેસોમાં અરજીની તારીખથી જીવન નિર્વાહ ભથ્થુ ચૂકવવું યોગ્ય રહેશે.