(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૬
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કરેલું આ અંદાજપત્ર છેવાડાના માનવીને પણ સર્વગ્રાહી સુવિધા પ્રાપ્ત કરે સાથોસાથ ફન્ડામેન્ટલી રોજગાર વૃદ્ધિ, કૃષિ કલ્યાણ, સામાજિક ક્ષેત્રે, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો, મહિલા, માછીમારો અને નાના દુકાનદારો સહિત સૌના કલ્યાણનો વિચાર પણ આ બજેટમાં કરવામાં આવ્યો હોવાનું જણાવતા તેમણે આ બજેટને સર્વાંગીય વિકાસ નેમ સાથે તમામ ક્ષેત્રોને આવરી લેતું ગણાવ્યું હતું.
આ બજેટ કીડીને કણને હાથીને મણ જેવું સૌનો વિચાર કરીને બનાવવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ બજેટ કિસાન હિતલક્ષી બજેટ ગણાવતા કહ્યું કે, ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂા. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તેને રાજ્ય સરકાર રૂા. ૩૦ હજાર સહાય આપશે.
એપીએમસીમાં ખેડૂતોનો માલ-ઉત્પાદન બહાર પડ્યા ન રહે, બગડી ન જાય તે માટે એપીએમસીને પ૦૦ મેટ્રિક ટન કેપેસિટીના ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. પાંજરાપોળોને અપ્રગેડ કરવા એક વખતની સહાયરૂપે કુલ રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી. આ સાથે તેમણે બજેટની અન્ય વિશષે જોગવાઈઓ પણ વર્ણવી હતી.