(એજન્સી) તા.ર૪
ઇરાનના સંસદીય સ્પીકર અલી લારીજાનીએ મંગળવારે ઇઝરાયેલને આડે હાથ લેતાં કહ્યું કે વિશ્વના તમામ દેશોની રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ઇઝરાયેલ છે. ગાઝા મુદ્દે તહેરાનમાં આયોજિત ૮મી કોન્ફરન્સને સંબોધતાં લારીજાનીએ કહ્યું કે ઇઝરાયેલી સરકાર બીજા દેશોના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવા માગે છે. તેમણે કહ્યું કે ઇરાન હંમેશા પેલેસ્ટીન દેશ અને ત્યાંના નાગરિકોને ટેકો આપતો રહેશે કેમ કે તેઓ વર્ષોથી ઇઝરાયેલી સરકાર અને તેની સેનાનો દમન સહન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે લેબેનોન, સીરિયા તથા અન્ય દેશોમાં હાલમાં પણ એવા પેલેસ્ટીની નાગરિકો છે જે શરણાર્થી બનીને રહેવા મજબૂર છે કેમ કે ઇઝરાયેલી સેના દ્વારા તેમના મકાનો કાં તો તોડી પાડવામાં આવ્યા છે કાં તો કબજે કરી લેવામાં આવ્યા છે અને આ પેલેસ્ટીની નાગરિક શરણાર્થી બનવા મજબૂર છે અને ગરીબી રેખા હેઠળ જીવી રહ્યાં છે. તેઓએ પોતાના મકાનો, મિલકતો, રોજગાર બધુ ગુમાવી દીધું છે. ઇરાની સંસદના ટોચના અધિકારીએ કહ્યું કે પેલેસ્ટીનીઓની આઝાદી માટેની લડતમાં સામેલ થવું અને તેને સમર્થન આપવું તે ઇસ્લામ ધર્મના લોકો, માનવીઓની એક નૈતિક જવાબદારી છે. લારીજાનીએ કહ્યું કે ઇઝરાયેલ સુરક્ષા તથા રાષ્ટ્રીય હિતોની દૃષ્ટિએ જોખમકારક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઇઝરાયેલી સરકારનો પ્રતિકાર કરવો જોઇએ અને વધુમાં વધુ પડકાર ફેંકવો જોઇએ. ઇસ્લામિક રેવોલ્યૂશનરી આયતુલ્લાહ સૈયદ અલી ખામેનાઇએ પણ ૧૬ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સમુદાયને ફટકાર લગાવતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને હું ચેતવણી આપું છું કે તે પેલેસ્ટીનના મુદ્દાની સતત અવગણના કરી રહ્યો છે. જોકે પેલેસ્ટીનનો મુદ્દો વિશ્વના તમામ મુસ્લિમો તથા મુસ્લિમ દેશો માટે સૌથી મહત્વનો મુદ્દો છે. આયતુલ્લાહ ખામેનાઇએ કહ્યું કે પેલેસ્ટીનના નાગરિકો માટે સૌથી મહત્વની ત્રણ ઘટનાઓમાં જમીન પર કબજો, લાખો લોકોની હકાલપટ્ટી અને માનવતા વિરુદ્ધ ભયાવહ દમન અને ક્રૂત્ય છે. પેલેસ્ટીની નાગરિકો ઇઝરાયેલીઓ દ્વારા આ તમામ પ્રકારના ક્રૂત્યો સહન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું મુસ્લિમ દેશોએ હવે મહત્વની ભૂમિકા ભજવવાનો વારો આવી ગયો છે.