(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સંયુક્ત રાષ્ટ્રોના તજજ્ઞોના એક સમૂહે ભારતને અપીલ કરી હતી કે, સુધારેલા નાગરિકોના કાયદા સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા બધા લોકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રોની ઓફિસ ઓફ ધ હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્‌સ (ઓએચસીએચઆર)એ એક નિવેદન બહાર પાડી કહ્યું હતું કે, આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે અને ફકત સીએએ સામે વિરોધ કરવાના તેમના અધિકારનો ઉપયોગ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ભારતની સિવિલ સોસાયટીને સંદેશ આપે છે કે સરકારની નીતિઓની ટીકા સહન કરવામાં નહીં આવે. માનવાધિકાર તજજ્ઞોએ કહ્યું હતું કે, સૌથી ચિંતાજનક કેસ દિલ્હીની ગર્ભવતી મહિલા સફુરા ઝરગારનો છે જેમની ર મહિનાથી વધુ સમય માટે અટકાયત કરવામાં આવી હતી અને એકાંત કારાવાસ જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા તે તેમના પરિવાર અને વકીલ સાથે નિયમિત સંપર્ક કરી શકતા ન હતા અને તેમને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી ન હતી. છેવટે તેમને ર૩ જૂનના રોજ માનવીય ધોરણોના આધારે જામીન આપવામાં આવ્યા હતા ત્યારે તે ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં હતા. તજજ્ઞોએ કહ્યું હતું કે, સરકારે તાત્કાલિક માનવાધિકારોની રક્ષા માટે લડત આપી રહેલા બધા કાર્યકરોને મુક્ત કરવા જોઈએ. જેમને હાલ પુરતા પુરાવાઓ વગર અટકાયતમાં રાખવામાં આવ્યા છે. તેમણે ફકત સીએએના ભેદભાવપૂર્ણ વલણ સામે ભાષણો આપ્યા હતા. માનવાધિકાર તજજ્ઞોએ આ મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે પ્રદર્શનકારીઓ સામે સત્તાધિકારીઓનું વલણ ભેદભાવપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, એવું લાગે છે કે, સીએએ સમર્થકો દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણી અને હિંસાના આક્ષેપોમાં આ પ્રમાણે તપાસ થઈ નથી. કેટલાક સીએએ સમર્થકોએ તો ‘ગોલી મારો ગદ્દારો કો’ જેવો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ માનવાધિકાર તજજ્ઞોએ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રીય સુરક્ષા ધારા જેવા કાયદાઓ લાગુ કરવા અંગે તેમજ પ્રદર્શનકારીઓને જામીન આપવાનો ઈન્કાર કરવા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તજજ્ઞોએ કહ્યું હતું કે, કોવિડ-૧૯ના કારણે વિરોધ પ્રદર્શનો માર્ચમાં બંધ થઈ ગયા હતા અને ભારતની સુપ્રીમ કોર્ટે મહામારી દરમિયાન સ્વાસ્થ્ય કારણોસર જેલોમાં કેદીઓની સંખ્યા ઓછી કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં પ્રદર્શનકારી નેતાઓની અટકાયત ચાલુ રહી. ભારતીય જેલોમાં વાયરસ ફેલાયો હોવાના અહેવાલોને પગલે તેમને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે. સીએએ સામે વિરોધ નોંધાવવામાં મીરાન હૈદર, ગુલફિશા ફાતિમા, સફુરા ઝરગાર, આસિફ ઈકબાલ તાન્હા, દેવાંગના કલિતા, નતાશા નરવાલ, ખાલિદ સૈફી, શિફા-ઉર-રહેમાન, ડૉ.કફીલખાન, અખિલ ગોગોઈ વગેરે સામેલ હતા. આ નિવેદન બહાર પાડનાર સંયુક્ત રાષ્ટ્રોના માનવાધિકાર તજજ્ઞોમાં મેરી લોલોર, લી ટુમી, એલિના સ્ટેનેરટ, જોસ ગુઓવાસ બર્મુડેઝ, સિઓંગ ફિલ હોંગ, સેતોન્દજી એડજોવી, ડેવિડ કાઈ, ફર્ડિનાન્ડ દ વારેન્સ, અહેમદ શહીદ અને નિલ્સ મેલ્ઝેર સામેલ હતા.