(એજન્સી) ગુવાહાટી, તા.૯
વડાપ્રધાન મોદીએ શુક્રવારે ત્રિપુરાના વિપક્ષને જણાવ્યંુ હતું કે, સરકાર ચલાવવાના તમારા વર્ષોના અનુભવથી બિન અનુભવી વિપ્લવકુમાર દેવને રાહ ચીંધજો. મોદીએ ભાજપ માટે મત ન આપનારાઓ માટે પણ વ્યાપકતા દેખાડવાનું કહેતા તેમણે ૨૫ વર્ષથી શાસન કરતા સીપીઆઇએમને ઉલ્લેખ કર્યો હતો. ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે દેવે શપથ લીધા બાદ મોદીએ આ અંગેની અપીલ કરી હતી. રાજ્યપાલ તથાગત રોયે મુખ્યમંત્રીને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, ત્રિપુરા જેવા નાના રાજ્ય માટે આ ચૂંટણી ઐતિહાસિક છે. આ જીતનો ઇતિહાસ અહીના લોકોએ લખ્યો છે અને અમારી જવાબદારી છે કે વિકાસથી વંચિત લોકોને મુખ્યધારામાં લાવવામાં આવે. હું વચન આપંુ છું કે, ભાજપ-આઇપીએફટી સરકાર બધા માટે છે.જેમણે અમને મત આપ્યા છે અને જેમણે નથી આપ્યા બધા માટે. મોદી ઉપરાંત અડવાણી અને મુરલી મનોહર જોશીએ પણ માણિક સરકારને તેમના અનુભવનો લાભ આપવા અપીલ કરી હતી. મોદીએ પોતાના ભાષણની શરૂઆત આદિવાસી કોકબોરોકથી કરી તેનો અંત બંગાળી ભાષામાં કર્યો હતો.

ડાબેરીઓ સાથે મતભેદ છે પણ માણિક સરકાર સાથે કામ કરી શકીએ : રામ માધવ

(એજન્સી) અગરતલા, તા.૯
ઉત્તરપૂર્વમાં ભાજપના અસામાન્ય વિજયના શિલ્પી વરિષ્ઠ નેતા રામ માધવે જણાવ્યંુ હતું કે, ત્રિપુરામાં ભાજપના શાનદાર વિજયને આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આ વિજય ભાજપને મદદ કરશે. ભાજપે ત્રિપુરામાં ૬૦માંથી ૪૩ બેઠકો જીતી ડાબેરીઓના ૨૫ વર્ષના શાસનનો અંત લાવ્યો હતો. ભાજપના વિપ્લવ દેવે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જેમાં પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અન અન્ય પાર્ટીના નેાતઓ હાજર રહ્યા હતા. આ શપથ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકાર પણ હાજર રહ્યા હતા. બુધવારે રામ માધવ માણિક સરકારને આમંત્રણ આપવા ગયા હતા.
દરમિયાન રામ માધવે કહ્યું કે, ભાજપને ડાબેરીઓ સાથે વૈચારિક મતભેદ છે પરંતુ વિકાસ માટે માણિક સરકાર જેવા અનુભવીલોકો સાથે કામ કરી શકીએ છીએ. તેમણે રાજ્યમાં ભાજપના વિજય બાદ પ્રતિમાઓ તોડવા અને હિંસામાં ભાજપના સભ્યો સામેલ હોવાના અહેવાલો ફગાવ્યા હતા જેમાં ડાબેરી ષડયંત્રની વાતને પણ વખોડી હતી. રામ માધવે કહ્યંુ કે, ભાજપ અને તેનું ગઠબંધન હવે ઉત્તરપૂર્વમાં સાતમાથી છ રાજ્યોમાં સત્તામાં છે. મિઝોરમમાં અમે શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરીશું. એકવાર અમે મિઝોરમમાં જીતી જઇશું તો અમે ઉત્તરપૂર્વના બધા સાત રાજ્યોમાં શાસન ધરાવીશું. રામ માધવે જણાવ્યું કે, અમે નાગાલેન્ડમાં ૨૦ બેઠકો પર ચૂંટણી લડ્યા અને ૧૨માં જીત્યા છીએ. પ્રથમવાર અહીં અમારા નાયબ મુખ્યમંત્રી હશે. ભાજપને મેઘાલયમાં પણ સારા પ્રદર્શનની આશા હતી પરંતુ સાથી પક્ષ એનપીપીના દેખાવથી પણ ખુશ છીએ. મેઘાલયમાં ભાજપે ફક્ત બે બેઠક જીતી છે અને ગત ચૂંટણીમાં તેને એક પણ બેઠક મળી નહોતી. ત્રિપુરામાં તે શૂન્યથી ૩૫ બેઠકો સુધી પહોંચી ગઇ છે.