(એજન્સી) વોશિંગ્ટન, તા.૪
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ દેશમાં હિંસા અનેે જાતિવાદ સામે વિરોધ કરનારા યુવા દેખાવકારોનો ઉત્સાહ વધારતાં જણાવ્યું હતું કે, તમારી પાસે વસ્તુઓને વધુ સારી બનાવવાની શક્તિ છે. ઓબામા ફાઉન્ડેશન દ્વારા ટાઉન હોલ ખાતે આયોજિત વર્ચ્યુઅલ સભામાં અમેરિકાના આફ્રિકા મૂળના પ્રથમ રાષ્ટ્રપતિએ પોતાના અનુગામી ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરવાનું ટાળ્યું હતું. ટીકા કરવાના બદલે તેમણે જર્યોજ ફ્લોઈડની હત્યા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા યુવા લોકો તેમજ આફ્રિકન મૂળના લોકોમાં આશા જગાવતો સંદેશો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઓબામાએ જણાવ્યું હતું કે યુવા લોકોના કારણે આપણા સમાજમાં ઘણા ઐતિહાસિક સુધારા અને વિકાસ થયો છે. માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર સેસર ચાવેઝ અને માલકમ એક્સે પણ જ્યારે શેરીઓ ગજવી હતી. ત્યારે તેઓ યુવાન જ હતાં હું ઈચ્છુ છું કે, તમે તમારા મુદ્દા સમજો. હું તમને જણાવવા ઈચ્છુ છું કે, તમારૂં જીવન મહત્ત્વ ધરાવે છે, તમારા સ્વપ્નો મહત્ત્વ ધરાવે છે.