અમદાવાદ,તા.૬
રાજયમાં મિલકત સંબંધી ગુનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જમીનો અને મકાનો સહિતની મિલકતો હડપ કરવા લોકો જાતજાતના નુસખા અજમાવતા રહે છે. આવો જ એક કિસ્સો સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં એક ખેડૂતની જમીન હડપ કરવા આરોપીઓ ખેડૂતની તમામ માહિતી મેળવી ખેડૂત પાસે ગયા હતા અને તમારી જમીન રેલવે સંપાદનમાં ગઈ હતી તે અંગેનો ચેક આપવાનો છે તેમ કહી એક ચોપડામાં ખેડૂતની સહી અને અંગૂઠા લઈ ખોટી સહીવાળો બાનાખત બનાવી તેને સાચા તરીકે સાણંદ કોર્ટમાં રજૂ કરી ફરિયાદી ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગીબપુરા ખાતે રહેતા ૭૦ વર્ષના ખેડૂત અલીભાઈ પીરભાઈ મોમીનની સાણંદ ગામની સીમમાં ખાતા નં.૪૪૮૧ સર્વે નં.૯૮૯ તથા સર્વે નં.૧૦૯૯/૩વાળી વડીલોપાર્જિત ખેતીની જમીન છે. તા. ૩૦ ઓગસ્ટ ર૦૧૮ના રોજ અલીભાઈ મોમીન સાણંદ હાઈવે ઉપર આવેલ તેમના ભગત પાન પાર્લર તથા ચાની કીટલી પર હાજર હતા. ત્યારે મોટર સાયકલ ઉપર બે અજાણ્યા લોકો તેમની પાસે આવ્યા હતા અને તેમના હાથમાં એક કવર આપી જણાવ્યું હતું કે, તમારી જમીન રેલવેમાં સંપાદનમાં જાય છે. તેનો આ ચેક છે તેમ કહી એક ચોપડામાં તેમની સહી અને અંગૂઠો લઈ જતા રહ્યા હતા. અલીભાઈને એમ કે તેમની રેલવેમાં સંપાદનમાં ગયેલી જમીનના અમુક નાણાં મળવાના બાકી હતા તેનો ચેક હશે તેમ સમજી કવર સ્વીકારી લીધું હતું. તે વખતે તેમને કવર ખોલવાની પણ તક આપી ન હતી. ત્યાર બાદ તેમણે આ કવર ખોલી જોતા તેમાં કાળા કલરના ત્રણ કાગળો હતા. આથી શંકા જવાથી અલીભાઈએ તેમના પુત્રને વાત કરતા જાણવા મળ્યું કે તેમની જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા માટે તેમને છેતરીને ચોપડામાં સહી અને અંગૂઠો લઈ ગયા છે. ત્યારબાદ તેઓએ તેમના વકીલ મારફત તા.૬ સપ્ટેમ્બર ર૦૧૮ના રોજ એક દૈનિક અખબારમાં જાહેર નોટિસ પણ આપી હતી. દરમ્યાન સાણંદ કોર્ટમાં બ્રહ્માણીનગર સોસાયટીમાં રહેતા પદ્યુમનસિંહ દાદુભાઈ ઝાલાએ અલીભાઈ વિરૂદ્ધ દાવો દાખલ કરતા તેમને નોટિસની બજવણી થઈ હતી. તે નોટિસ સાથે નોટરી એન.કે. સિસોદિયા રૂબરૂમાં ૩૦-૮-ર૦૧૮ના રોજનું એક કબજા સાથેનું અલીભાઈની સાણંદ ખાતેની જમીનના બાનાખતની નકલ હતી. જેમાં લખી આપનાર તરીકે અલીભાઈનું નામ હતું અને લખાવી લેનાર તરીકે પદ્યુમનસિંહ ઝાલાનું નામ હતું. જેમાં તેમનો ફોટો તેની સામે અલીભાઈના નામની સહી કરેલ હતી જે ખોટી હતી.
આમ અલીભાઈએ સાણંદ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ મુજબ પદ્યુમનસિંહ ઝાલા તથા નોટરી એન.કે. સિસોદિયાએ તેમને છેતરી એક ચોપડામાં તેમની સહી અને અંગૂઠા લઈ ખોટી સહીવાળો કબજા સાથેનો બાનાખત બનાવી તેના આધારે સાણંદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ અંગે તેમણે કુદરતી સહીના નમૂના લઈ એફએસએલમાં તપાસણી કરાવતા તેમના નામની લીધેલી સહીવાળા બાનાખતના કરારમાં ખોટી સહી હોવાનો અભિપ્રાય આવેલ છે. આથી અલીભાઈ મોમીને તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી હોવાથી ઉપરોકત બંને આરોપીઓ તથા તપાસમાં નીકળે તેઓ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરાવતા સાણંદ પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦-બી અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.