(એજન્સી) તા.૩૧
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિંહનો નોએડા જિલ્લાના મેજિસ્ટ્રેટ બી.એન.સિંહને ખખડાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે આ ઘટનાથી દુઃખી થયેલા બી.એન.સિંહે હવે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું કે મને ત્રણ મહિનાની રજા જોઈએ છે અને હું હવે નોએડાના જિલ્લા મેજિસ્ટ્રેટ પદે રહેવા માંગતો નથી.
ઉલ્લેખનીય છે કે નોએડાની મુલાકાતે પહોંચેલા યોગી આદિત્યનાથે જાહેરમાં જ સોમવારે ડીએમને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમારી બકવાસ બંધ કરો. તમારી બકવાસને લીધે જ આ સ્થિતિ બગડતી જઈ રહી છે. તમે તમારી ફરજ બજાવવાને બદલે એકબીજા પર આરોપ -પ્રત્યારોપ કરી રહ્યાં છો. મેં બે મહિના પહેલાં જ સંપૂર્ણ રાજ્યમાં એલર્ટ જાહેર કરી દીધું હતું.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળેલી ફટકાર પછી નોએડાના જિલ્લા અધિકારી બીએન સિંહની બદલી કરવામાં આવી છે. તેમને હવે પ્રયાગરાજમાં મહેસૂલ ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે તેમની જગ્યાએ નોએડામાં ડીએમ તરીકે સુહાસ લલીનાકેરે યતિરાજને નિમણૂંક કરવામાં આવી છે.
દિલ્હીની નજીક આવેલા ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૌતમબુદ્ધ નગર પહાેંચ્યા હતા જ્યા તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કોરોનાના વધતા સંક્રમણને જોતા મુખ્યમંત્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી, તેમણે અધિકારીઓને કહ્યું કે તમે કામ ઓછું કરો છો અને અવાજ વધારે કરો છો. બીજી તરફ નોએડાના જિલ્લા અધિકારી બીએન સિંહે કહ્યું કે, હું ગૌતમબુદ્ધ નગરનો જિલ્લાધિકારી રહેવા નથી માંગતો, મને રજા આપી દો.
ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તેને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી આશરે ૨ વાગ્યે હેલીકોપ્ટરથી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી પહોંચ્યા હતા, તેમણે ગૌતમબુદ્ધ યુનિવર્સિટીમાં જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જિલ્લા સૂચના અધિકારી રાકેશ ચૌહાણે જણાવ્યું કે બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ લોકડાઉનને પ્રભાવી રીતે લાગુ કરવા તથા શ્રમિકોના પલાયન રોકવા પર વાતચીત કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઝાટકણી બાદ નોએડાના જિલ્લા અધિકારીએ ૩ મહિનાની રજા માંગી છે, તેમણે કહ્યું કે હું નોએડામાં કામ કરવા નથી માંગતો. ડીએમ બીએન સિંહે ગુરૂવારે નોએડામાં મુખ્યમંત્રી સાથે બેઠકમાં આ જવાબ આપ્યો હતો. બીએન સિંહે કહ્યું કે હું છેલ્લા ૩ વર્ષથી નોએડામાં તૈનાત છું. ૧૮-૧૮ કલાક કામ કરી રહ્યો છું.
મહત્વપૂર્ણ છે કે, કોરોના વાયરસ કેરળ, દિલ્હી, રાજસ્થાનની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એકલા ગૌતમબુદ્ધ નગર (નોઇડા)માં ૩૭ કેસ સામે આવી ચુક્યા છે. સંક્રમિતોની વધતી સંખ્યાને કારણે સરકાર અને જિલ્લા તંત્ર ચિંતિત છે. સતત વધતા મામલા વચ્ચે યોગી આદિત્યનાથ નોએડા પહોંચ્યા હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.