(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા જંગમાં વડાપ્રધાન મોદીએ લોકડાઉન-૪ અંગે સંકેત આપ્યા છે અને તે નવા રંગ રૂપ તથા નિયમો સાથે હશે. ત્રીજું લોકડાઉન ૧૭મી મેએ સમાપ્ત થઇ રહ્યું છે ત્યારે તમિલનાડુ સરકારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, અહીં ૧૮મી મેથી સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન કામ પર ૫૦ ટકા કર્મચારીઓને આવવાની પરવાનગી અપાશે. કચેરીમાં કામ કરનારા કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. પ્રેઝન્ટ ઓફિસ ટાઇમ સાથે છ દિવસનું વર્કિંગ અઠવાડિયું હશે. આમાં શનિવાર પણ સામેલ હશે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસામીએ લોકડાઉન ધીરે-ધીરેહટાવવાના સંકેત આપતા લોકડાઉન બાદ સામાન્ય સ્થિતિ લાવવા માટે લોકોનો સહયોગ માગ્યો હતો. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા તમિલનાડુમાં ૧૦ હજારને પાર થઇ ગઇ છે. ગુરૂવારે કોરોના વાયરસને કારણે રાજ્યમાં ચાર લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો ૬૬ થયો હતો.