(એજન્સી) ચેન્નાઈ, તા.૨૬
તમિલનાડુના તુતીકોરીનમાં પિતા-પુત્રની કસ્ટોડિયલ મૃત્યુ સંદર્ભે દાખલ થયેલ સીબીઆઈની ચાર્જશીટમાં ૯ પોલીસોના નામ જણાવવામાં આવ્યા છે. આ કેસના લીધે પોલીસના અત્યાચારોને વખોડવામાં આવ્યું હતું. ૧૯મી જૂનના રોજ સથાનકુલમ પોલીસ સ્ટેશનમાં જયરાજ અને એમના પુત્ર બેનીક્સને મૂઢમાર મારવામાં આવ્યો હતો. જેના લીધે હોસ્પિટલમાં બંનેનાં મોત થયા હતા. ૫૯ વર્ષીય જયરાજ અને એમના ૩૧ વર્ષીય પુત્ર બેનીક્સની લોકડાઉનમાં ૧૫ મિનિટ વધુ સમય માટે દુકાન ખુલ્લી રાખવા બદલ ૧૯ જૂને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એમની ઉપર ઝગડો કરવાના અને ગાળો આપી ધરપકડ અટકાવવા રોડ ઉપર સૂઈ જવાના આક્ષેપો મૂક્યા હતા. બંનેને પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી અને કસ્ટડીમાં મૂઢમાર માર્યો હતો. એમના કુટુંબીજનોએ આક્ષેપો મૂક્યા હતા કે, મૂઢમાર મારવાથી બંનેને ગંભીર આંતરિક ઈજાઓ થઇ હતી, જેના લીધે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ કેસના લીધે પોલીસ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તમિલનાડુના વિપક્ષોએ સરકાર ઉપર આક્ષેપો મૂક્યા હતા કે, પોલીસે કાયદો પોતાના હાથમાં લઇ લીધો છે અને પોતે જ જજ બની ગઈ છે. ખૂબ હોબાળા પછી છેવટે મુખ્યમંત્રીએ તપાસ સીબીઆઈને સોંપી હતી. અભિનેતા કમલ હસને પણ સરકાર સામે આક્ષેપો મૂક્યા હતા અને કહ્યું હતું કે, સરકાર જ મુખ્ય આરોપી છે. થોડા વર્ષ અગાઉ પણ તુતોકોરીનની પોલીસ ઉપર અત્યાચારના આક્ષેપો મૂકાયા હતા. જેમાં પોલીસે સ્ટરલાઈટ સામે પ્રદર્શનો કરનાર કામદારો ઉપર બેફામ ગોળીબારો કરી ૧૩ કામદારોના મોત નિપજાવ્યા હતા.
Recent Comments