(એજન્સી) ચેન્નઈ, તા. ૧૨
તમિલનાડુના થેણી જિલ્લાના કુરંગી પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ કરવા ગયેલા લોકોને બચાવવા માટે ચાર હેલિકોપ્ટરની સાથે ૧૬ ગરૂડ કમાન્ડોએ શોધ અભિયાન આદર્યું. કુરંગની પહાડી પર ૩૬ લોકોનું એક ગ્રુપ શનિવારે ટ્રેકિંગ કરવા ગયું હતું. આ લોકો રવિવારે જંગલમાં ફાટી નીકળેલી આગમાં ફસાઈ ગયાં હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ૪ મહિલાઓ એક બાળક સહિત ૧૦ લોકોના મોત થયાં છે. જ્યારે ૩૦ ને બચાવી લેવામાં આવ્યાં જેમાં ૮ ની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવતું હતું. થેણી કલેક્ટર પલ્લવી બલ્દેવે કહ્યું કે આ ૩૬ સભ્યોના ગ્રુપમાં ૧૨ વિદ્યાર્થીઓ ઈરોડ જિલ્લાના છે અને ૨૪ લોકો ચેન્નઈની એક ટ્રેકિંગ ટીમમાથી તેમાં ૨૫ મહિલાઓ, ત્રણ બાળકો અને આઠ પુરુષ સામેલ છે. આ તમામ શનિવારે સવારે કુરંગના જંગલોમાં ટ્રેકિંગ કરવા ગયાં હતા. રવિવારે જંગલ વિસ્તારમાં ફાટી નીકળેલી આગમાં તેઓ ફસાયા હતા. ફાયર બ્રિગેડને બપોરે ૩ વાગ્યે આગની સૂચના મળી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રેકિંગ દરમિયાન જંગલમાં લાગેલી આગની વચ્ચે ફસાયેલા એક વિદ્યાર્થીએ તેના પિતાને ફોન કરીને આગ લાગવાના સમાચાર આપ્યાં હતા અને પછી આ માહિતી વન વિભાગને આપવામાં આવી હતી. વન વિભાગે વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ૪૦ માણસોને કામે લગાડ્યાં છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ૧૩ એમ્બ્યુલન્સને કામે લગાડવામાં આવી.તે ઉપરાંત ફાયર બ્રિગેડ, આપદા વિભાગ, વન પોલીસના ૧૦૦ થી વધારે સભ્યો અને એરફોર્સને રાહત બચાવ કામમાં જોતરવામાં આવ્યાં છે.