(એજન્સી) ચેન્નાઈ, તા.૩
તમિલનાડુના મુખ્યમંત્રી એડાપ્પડી કે. પલાનીસ્વામી એ ગુરૂવારે બારમાં નવા નોંધાયેલ જુનીઅર વકીલો માટે માસિક ૩૦૦૦ રૂપિયા બે વર્ષ માટે સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત કરી હતી. જેથી તેઓ પોતાની શરૂઆતની નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી શકે. છેલ્લા ઘણા સમયથી બાર કાઉન્સિલ ઓફ તમિલનાડુ અને પુડુચેરીની સ્ટાઈપેન્ડ માટે માંગણી હતી. પલાનીસ્વામીએ સ્ટાઈપેન્ડની જાહેરાત કરતા કહ્યું કે અમુક યુવા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને ગરીબ વર્ગ સાથે સંકળાયેલ વકીલો શરૂઆતમાં ટકવા માટે મુશ્કેલીઓનો સામનો કરે છે કારણ કે એમને કોઈ નિયમિત આવક નથી હોતી અને એના માટે તેઓ વ્યવસાય પણ બદલી દે છે. એમણે કહ્યું કે ઘણા નવા વકીલો નિયમિત આવક નહિ હોવાથી પોતાની મહાત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી નથી શકતા, આ સ્ટાઈપેન્ડથી એમને ટેકો મળશે જેથી તેઓ પોતાની મહાત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી શકે. પલાનીસ્વામીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. જી. રામચન્દ્રનને યાદ કરતા કહ્યું કે એમણે ૧૯૮૭ના વર્ષમાં એક યોજનાની જાહેરાત કરી હતી. જે મુજબ કોઈપણ વકીલના મૃત્યુ સમયે એમના પરિવારને આર્થિક સહાય પેટે ૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એ પછી પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ ૨૦૧૨ના વર્ષમાં આ રકમ વધારી ૫.૨૫ લાખ રૂપિયા કરી હતી. ૩૦મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે મેં આ રકમ વધારી ૭ લાખ રૂપિયા કરી હતી.