(સંવાદદાતા દ્વારા) નડિયાદ, તા.૬
મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં આજરોજ રાશનની વહેંચણી મુદ્દે ઉશ્કેરાયેલા બે ઈસમોએ દુકાનના સંચાલક સાથે ઝઘડો કર્યો હતો અને દુકાનના સંચાલક અને તેમની પત્ની (ગામની સરપંચ)ને લાફો મારી દીધો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના સરપંચ ગંગાબેનના પતિ વિજય રૂમાલભાઈ સોલંકી પંડિત દિનદયાળ ગ્રાહક સહકારી ભંડારનું સંચાલન કરે છે. દરમ્યાન ગામમાં જ રહેતાં અશોક રઈજીભાઈ સોલંકી અને પ્રવિણકુમાર બાલકૃષ્ણ મહેતા ત્યાં આવ્યા હતા અને તમે ગ્રાહકોને રાશન કેમ આપતાં નથી તેમ કહી વિજયભાઈ સાથે ઝઘડો કર્યો હતો. જોત-જોતામાં ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા અશોકભાઈ અને પ્રવિણભાઈએ વિજયભાઈ સાથે ઝપાઝપી કરી લાફો મારી દીધો હતો. મામલો શાંત પાડવા માટે વિજયભાઈની પત્ની ગંગાબેન (રૂદણ ગામના સરપંચ) ત્યાં પહોંચી દુકાન આગળ ટોળાં નહીં વળવા તેમજ કામ સિવાયના લોકોને જતાં રહેવા જણાવ્યું હતું. પણ ઉશ્કેરાયેલા અશોકભાઈએ સરપંચ ગંગાબેનને લાફો માર્યો હતો. આ બનાવ અંગે વિજય રૂમાલભાઈ સોલંકીની ફરિયાદને આધારે મહેમદાવાદ પોલીસે અશોકભાઈ અને પ્રવિણકુમાર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામેપક્ષે પ્રવિણકુમાર બાલકૃષ્ણ મહેતાએ મહેમદાવાદ પોલીસમથકમાં વિજયભાઈ રૂમાલભાઈ સોલંકી અને રૂમાલભાઈ શનાભાઈ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ આપી છે જેમાં વિજયભાઈ ગામના એક ગ્રાહકને રાશન આપતાં ન હોઈ પ્રવિણભાઈએ તેઓને ઠપકો આપ્યો હતો, જેથી વિજયભાઈએ ગમે તેમ બોલી પ્રવિણભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ વખતે વિજયભાઈનુ ઉપરાણું લઈ તેમના પિતા રૂમાલભાઈ હાથમાં સ્ટીલની પાઈપ લઈ આવી પ્રવિણભાઈને મારી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.