અમદાવાદ, તા.ર૦
ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં વર્ષ ર૦૧૮-૧૯નું બજેટ રજૂ કર્યું હતું. બજેટના ભાષણની શરૂઆત હોબાળા સાથે થઈ હતી. વિપક્ષે મગફળીની ખરીદી અને ભાવ મુદ્દે હોબાળો મચાવ્યો હતો ત્યારે નીતિન પટેલે કોંગ્રેસના શાસન દરમિયાન કોઈ મગફળી ખરીદવામાં આવતી નહોતી તેમ જણાવી પરેશ ધાનાણીનું નામ લઈ તેમને સલાહ આપી કે તેમને નિષ્ફળ બનાવવા કોંગ્રેસે જૂથબંધી ચાલુ કરી દીધી છે. બજેટના ભાષણની શરૂઆતમાં ધારાસભ્યો દ્વારા હંગામો મચાવવામાં આવ્યા બાદ વિપક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. વિરોધ પક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવતા નીતિન પટેલે પરેશ ધાનાણીને સલાહ આપતા કહ્યું હતું કે તમે વિરોધ પક્ષના નેતા બન્યા તે કોંગ્રેસમાં ઘણા લોકોને ગમ્યું નથી. નીતિન પટેલે બજેટ સ્પીચમાં જ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને પરેશ ધાનાણી ગમતા નથી. મને તો વહેમ છે અને પરેશભાઈને કહેવા માંગું છું કે પરેશભાઈ તમે વિરોધ પક્ષના નેતા બન્યા તે કોંગ્રેસમાં ઘણા લોકોને ગમ્યું નથી. પરેશ ધાનાણી કેવી રીતે નિષ્ફળ જાય તેનું કાવતરું કોંગ્રેસના બીજા નેતાઓએ શરૂ કરી દીધું છે, હું પરેશભાઈને ચેતવણી આપું છું અને સલાહ આપું છું કે, તેઓ આવા લોકોથી દૂર રહે.