(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દેશમાં કોરોના વાયરસના દર્દીઓનોમાં આવી રહેલા સકારાત્મક પરિવર્તન એક સારા સમાચાર છે. આ દર્દીઓનો રિકવરી રેટ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રમાવે જાણકારી આપતા કહ્યું હતું કે, હવે દર્દીઓનો રિકવરી રેટ ૨૯.૩૬ ટકા પર પહોંચી ગયો છે. તેવી જ રીતે છેલ્લા ૨૪ કલાકમાં દેશના ૨૧૬ જિલ્લામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. લવ અગ્રવાલે કહ્યું હતું કે, ભારતમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો રેશિયો વધ્યો છે. જેથી કહી શકાય કે, હોસ્પિટલમાં દાખલ થયેલા દર ૩માંથી ૧ દર્દી સાજો થઈ રહ્યો છે. જો કે, એક દિવસમાં ૩૩૯૦ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૦૫ લોકોનાં મોત નિપજ્યા છે. દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, જો આપણે કોરોના વાયરસની કટોકટીમાં શું કરવું અને શું ન કરવુંની શરતોનું પાલન કરીએ તો વાયરસના સૌથી ઊંચા દર થવાથી બચી શકીએ છીએ. જો આપણે સાવચેતી અને પ્રક્રિયાઓનું પાલન નહીં કરીએ તો કોરોનાના કેસો વધી શકે છે. સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, હવે ભારતે ‘કોરોના સાથે જીવવાનું શીખવું’ પડશે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગેનો અહેવાલ આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશના ૨૧૬ જિલ્લાઓ એવા છે કે, જ્યાં છેલ્લા કોરોનાના કેસ નોંધાયા જ નથી. જ્યારે ૪૨ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસથી, ૨૯ જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસોથી, ૩૬ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસથી જ્યારે ૪૬ જિલ્લામાં ૭ દિવસથી એક પણ કોરોનાનો નવો કેસ આવ્યો નથી. લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૬,૫૪૦ લોકો કોરોના વાયરસને મ્હાત આપી ચૂક્યા છે, જ્યારે હજી પણ ૩૭,૯૧૬ દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૩૯૦ કેસ નોંધાયા છે તો ૧૨૭૩ દર્દીઓ સાજા પણ થયા છે. આમ કોરોનાને મ્હાત આપીને સાજા થનારાઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. હવે રિકવરી રેટ વધીને ૨૯.૩૬ ટકા થઈ ગયો છે. દર ૩માંથી ૧ દર્દી સાજો થઈ રહ્યો છે. લવ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ૩.૨ ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર, ૪.૭ ટકા દર્દીઓને આઈસીયૂ સપોર્ટ સંબંધિત સેવાઓ આપવામાં આવી રહી છે અને ૧.૧ ટકા દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.