(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૧૨
આજે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટની આગેવાનીમાં વકીલોએ તલાટીઓને સત્તા આપવાના નિયમનો અમલ કરનારનું પૂતળું તૈયાર કરીને કોર્ટના બહાર મુખ્ય રોડ ઉપર બાળ્યું હતું જેથી પોલીસ અને વકીલો વચ્ચે પકડદાવ સર્જાયો હતો જેમાં પ્રમુખ સહિત આઠ વકીલની અટકાયત કરવામાં આવી હતી. તલાટીઓને સોગંદનામાની સત્તા આપવાના કાયદા બનાવનાર રાક્ષસ રૂપી પૂતળું બાળવાના કિસ્સામાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ રિતેશ ઠક્કર નેહા બેન સુતરિયા કોમલબેન કુકરેજા અલ્પેશ પટેલ અનિલ પૃથ્વી જેમ્સ મેકવાન અને હિમિશા ધોત્રા ની અટકાયત કરી હતી. આ અંગે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે. રાજ્ય સરકારને કેન્દ્રના કાયદામાં સુધારો કરવાની કોઇ સત્તા નથી તો તલાટી મંત્રીને સોગંદનામાની સત્તા આપતો પરિપત્ર કરી શકાય નહી. માર્ચ મહિનાથી કોર્ટ બંધ છે અને વકીલો અનેક કટોકટીનો સામનો કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે આ પરિપત્ર દ્વારા વકીલો અને નોટરીની આજીવિકા પર તરાપ મારી છે. સરકાર રોજગારી આપવાને બદલે છીનવી રહી છે.તલાટીને સોગંદનામાની સત્તા આપવાના કારણે ભ્રષ્ટાચાર વધશે. આજે અમે તમામ વકીલો કોર્ટ પર એકત્ર થઇને પૂતળા દહન કર્યું છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. કાયદા વિરૂદ્ધનો પરિપત્ર રદ નહીં કરાય તો હાઇકોર્ટમાં પીઆઇએલ કરાશે.