વડોદરા, તા.૯
રાજ્ય સરકારે તલાટીને સોગંદનામુ કરવાની સત્તા આપતાં વકીલોમાં રોષ ફેલાયો છે. વડોદરા વકીલની કારોબારીની બેઠક બોલાવી રાજ્ય સરકારને પરિપત્ર રદ કરવાનું જણાવવાનો ઠરાવ કરાયો હતો. જો પરિપત્ર રદ ન કરાય તો હાઇકોર્ટમાં ઁૈંન્ દાખલ કરવા નિર્ણય લેવાયો હતો. દરમિયાન આજે વકીલોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પરિપત્રની હોળી કરી રાજ્ય સરકાર સામે આક્રોશ દર્શાવ્યો હતો. સરકાર જો વહેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને કેન્દ્રના કાયદામાં સુધારો કરવાની કોઇ સત્તા નથી તો તલાટી મંત્રીને સોગંદનામાની સત્તા આપતો પરિપત્ર કરી શકાય નહી. સરકાર રોજગારી આપવાને બદલે છીનવી રહી છે. તલાટીને સોગંદનામાની સત્તા આપવાના કારણે ભ્રષ્ટાચાર વધશે. આજે અમે તમામ વકીલો કોર્ટ પર એકત્ર થઇને પરિપત્રની હોળી કરી રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. કાયદા વિરૂદ્ધનો પરિપત્ર રદ નહી કરાય તો હાઇકોર્ટમાં પીઆઇએલ કરાશે. આ દરમ્યાન રિતેશ ઠક્કર, ઘનશ્યામ પટેલ, નેહલ સુતરીયા, સહિત મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા.
Recent Comments