જૂનાગઢ,તા.૩૦
સોરઠ પંથકમાં ક્રિકેટનાં સટ્ટા ઉપર જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે આવા જુગારનાં અડ્ડાઓ ઉપર પોલીસ ત્રાટકી રહી છે અને ક્રિકેટનાં રમતનાં સટ્ટાનો જુગાર ઝડપી લઈ જુગારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ આર.આર.સેલ તથા એલસીબીએ હિરણવેલનાં ક્રિષ્ના ફાર્મમાં ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડતાં ૮ શખ્સો સાથે ક્રિકેટના સટ્ટાનો જુગાર ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં આઈજીપી સુભાષ ત્રિવેદીની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર. સેલનાં ઈન્ચાર્જ પીએસઆઈ કે.એમ.મોરી તથા સ્ટાફ તથા ગિર-સોમનાથ એલસીબીનાં પીએસઆઈ કે.જે. ચૌહાણ તથા સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. જેમાં રાણાવવાના લખુ મોઢવાડ્યા મેર નામનો શખ્સ તાલાળાનાં હિરણવેલ ગામનાં ક્રિષ્ના ફાર્મમાં ક્રિકેટનો મોટો સટ્ટો ચલાવે છે. તે બાતમીનાં આધારે દરોડો પાડતાં આઈપીએલ ક્રિકેટનાં ટી-ર૦ મેચ ઉપર હાર-જીતનો સટ્ટો રમતાં લખુ ઘેલા મોઢવાડિયા (રહે.રાણાવાવ), દાદુ સીડા ગઢવી (રહે. જામખંભાળિયા), નાથા જેઠા ઓડેદરા (રહે.રામગઢ, તા.રાણાવાવ), વિવેક જોષી (રહે. જામખંભાળિયા), દર્શન મોદી (રહે.જામખંભાળિયા), ભરત મેરૂ મેર (રહે.રાણાવાવ), પ્રિતેશ ઉર્ફે પિન્ટુ સીંધી (રહે.જૂનાગઢ), નરેન્દ્ર એસ.નાઘેરા, ફાર્મ સંચાલક મહેશ રાજા સોલંકી (રહે.ઉબા, તા.વેરાવળ) વાળાઓ રોકડ રૂા.૧,૦૧,પ૦૦ તથા લેપટોપ-૧, મોબાઈલ ફોન-ર૪, વાઈફાઈ-૧, પેન ડ્રાઈવ-૧, ઈંગ્લિશ દારૂની બોટલ નંગ-૬ તથા સ્કોર્પિયો કાર નં.જીજે ૧૦ સીએન ર૩ર૩ મળી કુલ રૂા.૮,૦૦,૦૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા ક્રિકેટનો સટ્ટો રમવા માટે આઈડી, બેટ એક્ષ ચેન્જર, એસ.કે.આર ૧૧૭ લાઈન આપનાર માંડો હુણ રબારી (રહે.ભરડાવાવ, જૂનાગઢ), વેરસી મેર (રહે.પોરબંદર, હાલ રાજકોટ) વિરૂદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.