દોદોમા,તા.ર૯
તંઝાનિયામાં ડિસેમ્બર મહિનામાં અપહૃત થયેલા ૧૦ બાળકોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા છે. ઉપસ્વાસ્થ્ય મંત્રી ફોસ્ટીન ડુગુલાઈલે પત્રકારોને જણાવ્યું કે, ‘આ અપહૃત કરાયેલા બાળકો ડિસેમ્બર મહિનાથી નિયોમ્બે જિલ્લામાંથી લાપતા હતા, જેમાં કેટલાક બાળકો સાત વર્ષ સુધીની વય ધરાવતા હતા. પોલીસ દ્વારા વિસ્તારમાં આ બાળકોને શોધવા માટે અભિયાન શરૂ કર્યા બાદ તેમના મૃતદેહો મળી આવ્યા હતા. ફોસ્ટીને વધુમાં કહ્યું કે, અત્યાર સુધી અમને અપહૃત બાળકોમાંથી ૧૦ બાળકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી મોટા ભાગના બાળકોના ગુપ્ત અંગો અને દાંતને કાઢી નખાયેલા હતા. એવું લાગી રહ્યું છે કે આ હત્યાઓ મેલીવિદ્યા સાથે સંકળાયેલી છે. કારણ કે તેમાં જ આવા પ્રકારના અપરાધો થતા હોય છે. તાંત્રિકો દ્વારા લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવા પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોય છે. ફોસ્ટીને વધુમાં ઉમેર્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ હત્યાઓના ભેદ ઉકેલવા માટે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.