(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
કડોદરા નગરપાલિકા વિસ્તાર તેમજ તાંતીથૈયા, વરેલી, જોળવા જેવા પરપ્રાંતિય વિસ્તારમાં નિરંકુશ થયેલા ગેસમાફિયાઓ પોલીસ તેમજ પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ રોજ હજારોની સંખ્યામાં કોમર્શિયલ બાટલામાંથી નાના બાટલામાં કિલોના હિસાબે ગેરકાયદેસર રિફીલિંગ કરવાનો વેપાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આ મામલે જિલ્લા પંચાયતના સદસ્ય અને સહકારી આગેવાન દર્શન નાયકે કલેકટરને આજરોજ લેખિત આવેદનપત્ર પાઠવી જવાબદાર તંત્રના અધિકારીઓ સામે પગલા ભરવા રજૂઆત કરી છે . સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી તેમજ સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા આજરોજ જિલ્લા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ જી ને ઉદેશીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઔદ્યોગિક નગરી સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ જિંદગીઓ હોમાઇ ગઇ જેના પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા હતા આ ઉપરાંત ગત સપ્તાહમાં અમદાવાદમાં રાઈડ તૂટી પડતા બે વ્યક્તિઓના મોત થયા અને ગત રવિવારે સુરતના કડોદરા વિસ્તારમાં ફ્લેશ ફાયર થી લાગેલી આગમાં પાંચ જેટલા જુવાનજોધ યુવાનોની જિંદગીનો અંત આવી ગયો બીજી તરફગુજરાત સરકાર દ્વારા સુરત જિલ્લાને કેરોસીન મુક્ત બનાવતા કેરોસીનના ઉપયોગથી પ્રાઈમસ સ્ટવ પર જમવાનું બનાવતા લોકો છેલ્લા ચાર પાંચ વર્ષમાં નાના ગેસના બાટલા તરફ વળ્યાં છે જેના કારણે પરપ્રાંતી વિસ્તારથી ભરપૂર એવા જોળવા તેમજ તાંતીથૈયા અને વરેલી અને કડોદરા જેવા વિસ્તારમાં અંદાજીત ૫૦૦થી વધુ ગેરકાયદેસર ગેસ રિફીલિંગની દુકાનો આવેલી છે. જેમાં હજારોની સંખ્યામાં ૧૯ કિલોના કોમર્સિયલ બાટલા માંથી નાના બાટલામાં ગેરકાયદેસર રિફીલિંગ કરી આપવામાં આવે છે. રિફીલિંગ કરતી વેળાએ બોટલનો ઉપરનો વાલ ખોલી સીધો કિલોના હિસાબે ગ્રાહકને જોઈએ એટલો ભરી આપવામાં આવે છે બાટલો ભર્યા બાદ ઉપરનો વાલ જો ચોકસાઈ પૂર્વક બંધ નહિ કરવામાં આવે તો ગેસ લીકેજ થાય છે અને આ પ્રમાણેની દુર્ગટનાને નોતરું અપાઈ છે. તાંતીથૈયામાં ગત રવિવારે બનેલી ઘટનામાં પાંચ પર પ્રાંતી યુવાનોના જીવ હોમાયા છે છતાં પણ ઘટનાનાં બીજે દિવસે જ આ વિસ્તારમાં ગેસ રિફીલિંગની તમામ હાટડીઓ બિન્દાસ પણે ધમધમી રહી આ પરથી કહી શકાય કે ક્યાંતો ગેસમાફિયાઓ ને પોલિસ કે તંત્રનો ડર રહ્યો નથી ક્યાં તો બને વિભાગની રહેમ નજર હેઠળ બધું થઈ રહ્યું છે જો તપાસ કરવામાં આવે તો કેટકેટલા અધિકારીઓ નામ ખુલે તેમ છે.સુરત જિલ્લાના પુરવઠાતંત્ર અને અને મામલતદારોને આ અંગે જાગૃત નાગરિકો દ્વારા લેખિત તેમજ મૌખિક ફરિયાદો અવારનવાર કરવામાં આવતી હોય છે પરંતુ ઠોસ પગલા લેવામાં આવતા નથી અને જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. વધુમાં દર્શન નાયકે જણાવ્યું છે સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા જિલ્લાના પરપ્રાંતિય વિસ્તારોમાં ચાલતા ગોરખધંધા વો ની તપાસ કરાવી બંધ કરાવવામાં આવે અને માનવ જીવનની રક્ષા કરવામાં આવે એવી અપીલ પણ કરવામાં આવી છે.