વડોદરા, તા.ર૩
એક તરફ જ્યારે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ તાંદલજા ટાંકીથી પાણી વિતરણ કરવામાં આવ્યું નહીં હોવાથી હજારો લોકોએ હાલાકી વેઠવી પડી હતી. આ વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી પાણીનું પ્રેસર ઓછું આવતું હોવાની તેમજ દુષિત પાણી આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે. આ અંગે તાંદલજા વિસ્તારનાં રહીશોએ અવારનવાર સેવાસદનનાં પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓને રજુઆતો પણ કરી હતી.
ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં પાણી માટે ફરિયાદો ઉઠવા પામી છે. અનેક વિસ્તારોમાં પાણી પ્રેસરથી મળતું ન હોવાની ફરિયાદને કારણે સેવાસદન દ્વારા આ વિસ્તારોમાં ટેન્કરથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જ્યારે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવા સમયે તાંદલજા પાણીની ટાંકી ખાતે લીકેજનું રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવતા આજે સાંજે આ ટાંકી વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોએ હાલાકી વેઠવી પડી હતી. રીપેરીંગ બાદ આજરોજ સાંજે હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.