નવી દિલ્હી,તા.૨૦
તાઇવાન અને ચીનના રાજદૂતની વચ્ચે અથડામણ થયા બાદ બંને દેશોની વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. તાઇવાને આરોપ મૂકયો છે કે ફિજીમાં તેની ‘નેશનલ ડે’ ઇવેન્ટમાં બંને રાજદૂતો વચ્ચે લડાઇ થઇ જેમાં તેના રાજદૂતને ઘણી ઇજા પહોંચી છે. તાઇવાનની તરફથી કહેવામાં આવ્યું છે કે ચીની રાજદૂત તેની નેશનલ ડે ઇવેન્ટમાં સામેલ મહેમાનોની તસવીરો ખેંચી રહ્યું હતું. ચીને ભારતીય મીડિયાને પણ ધમકી આપી હતી કે તેઓ તાઇવાનના નેશનલ ડે ને સેલિબ્રેટ ના કરે. તાઇવાન વન નેશન ટુ સ્ટેટની અંતર્ગત ચીનનો હિસ્સો છે. ચીને પણ દાવો કર્યો કે તેના અધિકારીને પણ આ અથડામણમાં ઇજા પહોંચી છે અને ફિજી પોલીસને આ કેસની તપાસ કરવાનું કહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો એક પ્રાંત માને છે જ્યારે તાઇવાનના નેતા સંપ્રભુતા સંપન્ન દેશ ગણાવે છે. તાઇવાન અને ચીનના સંબંધ પહેલેથી તણાવપૂર્ણ છે. ચીન મોટાભાગે તાઇવાનને સૈન્ય રીતે પોતાનામાં મિલાવી દેવાની ધમકી આપી રહ્યું છે. બીજીબાજુ તાઇવાનને અમેરિકા નૈતિક સમર્થન આપી રહ્યા છે. જો કે સૈન્ય સમર્થન આપવાને લઇ અમેરિકા અત્યાર સુધી પોતાની નીતિ સ્પષ્ટ કરી નથી. આ નવો વિવાદ ૮ ઑક્ટોબરના રોજનો છે. જેમાં ફિજીમાં તાઇવાનના વાણિજિયક કાર્યાલય એ ગ્રાન્ડ પેસિફિક હોટલમાં ૧૦૦ મહેમાનોનો એક કાર્યક્રમ કર્યો હતો. તાઇવાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે ચીની અધિકારીએ ઇવેન્ટમાં તસવીરો લેવાનું શરૂ કરી દીધું અને કાર્યક્રમમાં આવેલા મહેમાનો અંગે માહિતી એકત્રિત કરવાની કોશિષ કરી. તાઇવાનના રાજદૂતે ચીનના અધિકારીને ત્યાંથી જવા માટે કહ્યું તે ઝઘડો થઇ ગયો. તાઇવાનના વિદેશ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે આ ઝડપમાં તેમના રાજદૂતને માથામાં ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ચીને આખી આ ઘટનાને અલગ જ વિવરણ આપ્યું છે. ફિજીમાં ચીની દૂતાવાસે કહ્યું કે તેમના અધિકારી કાર્યક્રમ સ્થળની બહાર પબ્લિક એરિયામાં ‘ઓફિશિયલ ડ્યુટી’ કરી રહ્યા હતા. ચીને તાઇવાનના અધિકારીઓ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવાનો આરોપ મૂકયો છે અને કહ્યું કે અથડામણમાં એક ચીની રાજદૂત ઘાયલ થયો છે. ચીનને દરેક સમયે ડર રહે છે કે કયાંક તાઇવાન તેના હાથમાંથી સરકી ના જાય.