(એજન્સી) આગ્રા, તા. ૫
તાજમહેલ અંગે ફરી વિવાદના વાદળ ઘેરાયા છે જ્યારે એવા અહેવાલો મળી રહ્યા છે કે, ઉત્તર પ્રદેશ સરકાર આ વર્ષે તાજ મહોત્સવ ખુલ્લુ મુકીને ભગવાન રામ અંગેની નાટક કરશે. યોગી આદિત્યનાથ સરકારે આગ્રામાં ૧૦ દિવસના તાજ મહોત્સવમાં રામ લીલા ભજવવાનો નિર્ણય કર્યો છે જ્યારે વિપક્ષે સરકાર પર ઉત્સવનું ભગવાકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર ૨૦૧૮ના તાજ મહોત્સવનો રામલીલાથી પ્રારંભ કરવામાં આવશે.જોકે, ખરેખર તાજમહેલમાં મુઘલોનું યોગદાન છે. આ મહોત્વસ ૧૮ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઇક મુખ્ય મહેમાન તરીકે રહેશે. દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રવક્તા સુનિલ સાજને કહ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા તાજ મહોત્સવનું ભગવાકરણ કરવાનો જાણીજોઇને પ્રયાસ કરવામાં આવે છે. અયોધ્યામાં રામલીલાનું આયોજન થાય તે બરોબર છે પરંતુ વિશ્વ પ્રસિદ્ધ તજમહેલમાં તેને યોજવાનો શું તર્ક છે. ભાજપના લોકો આ ધરોહર વિશે ઘણી ખરાબ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે અને મુઘલ કાળની આ ઇમારતમાં મહોત્સવ ઘણું મહત્વ ધરાવે છે ત્યારે વિશ્વમાં ખોટી છાપ ઊભી થશે. દરમિયાન પ્રવાસન મુખ્ય સચિવ અવીનાશ અવસ્થીએ કહ્યું છે કે, આગ્રાના લોકો તાજ મહોત્સવ કમિટી દ્વારા મહોત્સવની થીમ નક્કી કરાઇ છે અને તેમાં રાજ્ય સરકારની કોઇ ભૂમિકા નથી. પ્રવાસન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ૧૫૦થી વધુ થીમ આવી છે અને અંતે ધરોહરને પસંદ કરવામાં આવી છે. વિભાગે કહ્યું છે કે, લોકો એવું ઇચ્છે છે કે, રામલીલા દ્વારા વિશ્વના લોકો ભારતની સંસ્કૃતિના દર્શન કરે. વિભાગે એવું પણ કહ્યું કે એ વાત ખોટી છે કે, મુઘલ સામ્રાજ્ય સમયના ઇતિહાસસાથે ચેડાં કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ મુઘલ કાળની ઝાંખી ઉપરાંત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે.
તાજમહેલ ટૂંક સમયમાં તેજ મંદિર બનશે, તે અમારૂં મંદિર છે : ભાજપ સાંસદ વિનય કટિયાર
(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ભાજપના સાંસદ વિનય કટિયારે ફરી વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, તાજમહેલ ટૂંક સમયમાં તેજ મંદિર બનશે. આગ્રામાં તાજ મહોત્સવ અંગે પૂછાતા કટિયારે કહ્યું કે, તેને તાજ મહોત્સવ કે તેજ મહોત્સવ કહી શકો તે બંનેનો એક જ અર્થ છે. તાજ અને તેજ વચ્ચે કોઇ વધુ અંતર નથી. અમારા તેજ મંદિરને ઔરંબઝેબ દ્વારા તોડી પડાયું હતું પરંતુ વહેલી તકે તાજ મહેલને તેજ મંદિરમાં ફેરવી દેવામાં આવશે. કટિયારે કહ્યું કે એ સારી બાબત છે કે મહોત્સવ ઉજવાય છે પરંતુ તાજમહેલ ઔરંગઝેબના સમયથી નથી તે અમારૂ મંદિર છે. આ પહેલા પણ કટિયારે વિવાદ સર્જીને કહ્યું હતું કે તાજમહેલ ખરેખર શિવ મંદિર હતું. તાજમહેલ એક સમયે શિવમંદિર હતું અને અંદર શિવલિંગ પણ હતું પરંતુ પાછળથી તેને કાઢી નખાયું હતું. આ ઉપરાંત પણ ઘણી એવી બાબતો છે જેનાથી સાબિત થાય છે કે મુઘલ સમયનું તાજમહેલ મંદિર છે.