(એજન્સી) લખનૌ, તા.ર૧
તાજમહેલને તેજોમહાલય બતાવનારા હિન્દુવાદી નેતાઓને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે આકરો આંચકો આપ્યો છે. સરકારે પુરાતત્ત્વ વિભાગ સાથે મળીને કોર્ટમાં દાખલ કરવામાં આવેલ જવાબમાં કહ્યું કે, તાજમહેલ શિવાલય છે, એવા કોઈ પુરાવા નથી. પરંતુ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ મકબરો છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ આગરાની એક કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા જઈ રહ્યું છે. જેમાં કહેવાયું છે કે તાજમહેલ શાહજહાં અને તેમની પત્નીનો મકબરો છે. વકીલ રાજેશ કુલશ્રેષ્ઠ દ્વારા ૮ એપ્રિલ ર૦૧પના રોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તાજમહેલ એક મંદિર છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલા સમયથી ભાજપ અને અનેક હિન્દુત્વવાદી નેતા તાજમહેલ અંગે દાવો કરી રહ્યા છે કે તે મકબરો નહીં પરંતુ ‘તેજો મહાલય’ છે. ભાજપના રાજ્યસભાના સાંસદ વિનય કટિયારે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. આ અરજીના જવાબમાં પુરાતત્ત્વ ખાતાના વકીલ અંજની શર્માએ જણાવ્યું કે, તાજમહેલના શિવમંદિર ‘તેજો મહાલય’ હોવા અંગે જે દલીલો કરવામાં આવી છે તે તમામ કાલ્પનિક છે. સુપ્રીમ કોર્ટ અગાઉથી નિર્ણય લઈ ચૂકી છે કે તાજમહેલનો કયો ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે અને કયો નહીં. તેથી એ અંગે કોઈ સમીક્ષા કરવાની જરૂર નહીં.
અહેવાલ અનુસાર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના એક અધિકારી અનુસાર સ્વઘોષિત ઈતિહાસકાર પી.એન. ઓકના પુસ્તકને કારણે આ વિવાદ ઊભો થયો હતો. આ પુસ્તકમાં તાજમહેલ હિન્દુ મૂળનો હોવાની વાત કરવામાં આવી છે અને તેને આધારે રાજકારણીઓ અને મંત્રીઓ બેજવાબદાર નિવેદનો આપતા આવ્યા છે. આ કારણોસર લખનૌમાં લગભગ અડધો ડઝન વકીલોએ આગરાની અદાલતમાં અરજી દાખલ કરી હતી. તાજમહેલની નજીક આવેલ દશેરા ઘાટ પર શિવસેના નિયમિતપણે ભગવાન શંકરની આરતી કરે છે અને અનેક હિન્દુત્વવાદી સંગઠન તાજમહેલની અંદર અને મહાર પ્રદર્શન કરી ચૂક્યા છે અને હિન્દુ મંદિર હોવાના કારણે તેમાં આવેલી મસ્જિદમાં થતી નમાઝને બંધ કરવા માંગ કરી હતી. આ મુદ્દે આગરા ટુરિસ્ટ વેલ્ફેર ચેમ્બરના અધ્યક્ષ પ્રહલાદ અગ્રવાલે કહ્યું હતું કે તાજમહેલ એક વૈશ્વિક સ્મારક છે અને તેને બિનજરૂરી વિવાદોનું કેન્દ્ર ન બનાવવું જોઈએ. કારણ કે તેનાથી વૈશ્વિક સમુદાયમાં દેશની છબિને નુકસાન પહોંચે છે.