(સંવાદદાતા દ્વારા)ઉના, તા.૧
ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને બિયારણ દવા, ખાતર, મજુરી પણ માથે પડી છે. આ મગફળીનો પાક જમીનમાં સડી જતાં અને પશુઓ પણ ચારા રૂપે ચરી ન શકે તેવી પરીસ્થિતિ પાકની થઇ જતાં ખેડૂત પાયમાલ બની ગયો છે. આ ઉપરાંત જીરૂ અને ડુંગળી સહિતના અન્ય પાક નાશ થતાં ભારે મોટી નુકસાની વેઠવી પડી હોવાનું ગીરગઢડા પંથકના ખેડુતોએ જણાવ્યું હતું. આ પંથકમાં ગીર વિસ્તાર આવેલો હોવાથી ચાલુ વર્ષ દરમ્યાન ભારે વરસાદ પડતા અને નદી-નાળાઓ ડેમના પાણી આવી પડતા જમીનોનું ધોવાણ થઇ જતાં મોટા ભાગના પાક અને બાગાયતી પાકોનું નુકસાન થયુ છે, માટે તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવા અને પાક વિમો તાત્કાલીક ચુકવવા ગીરગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ હીરપરાએ માંગણી કરી છે.