અમદાવાદ,તા.રપ
રાજયભરમાં હાલ કાળઝાળ ગરમીની મોસમનો અનુભવ સૌ કોઈ કરી રહ્યા છે. ત્યારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો જો કે તેમ છતાં ગરમીમાં કોઈ ખાસ રાહત અનુભવાઈ ન હતી. આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયું હતું. ર૭ અને ર૮ મેના રોજ રાજયમાં હીટવેવની સ્થિતિ જોવા મળે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે તો બીજી તરફ લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ માઝા મૂકતા તાપમાનનો પારો ૪પ ડિગ્રીને પાર કરી ગયો હતો ત્યારે છેલ્લા બે દિવસથી રાજયના તાપમાનમાં ર ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે આ ઘટાડા વચ્ચે પણ ગરમીમાં કોઈ ખાસ રાહત જોવા મળી ન હતી. ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. જયારે લૂ લાગવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આજે રાજયમાં અનેક સ્થળોએ તાપમાનનો પાયો ૪રથી ૪૩ ડિગ્રીની વચ્ચે રહેવા પામ્યો હતો. સૌથી વધુ મહતમ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૩.૭ ડિગ્રી રહ્યું હતું. જયારે ઈડરમાં ૪૩.ર, ભૂજમાં ૪૩.૦, રાજકોટમાં ૪ર.૮, અમરેલીમાં ૪ર.૬, કંડલા એરપોર્ટ પર ૪ર.પ, જયારે આણંદ અને ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ૪ર.પ, તેમજ અમદાવાદ અને ડીસામાં ૪૧.૯ અને વડોદરામાં ૪૦.ર, સુરતમાં ૩૮.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જો કે આવનાર દિવસોમાં હીટવેવની આગાહીને જોતા નિષ્ણાતો લોકોને ગરમીથી બચવા તકેદારી રાખવાનું સૂચવી રહ્યા છે.

કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૩.૭
ઈડર ૪૩.ર
ભૂજ ૪૩.૦
રાજકોટ ૪ર.૮
અમરેલી ૪ર.૬
કંડલા એરપોર્ટ ૪ર.પ
આણંદ ૪ર.પ
ગાંધીનગર ૪ર.પ
અમદાવાદ ૪૧.૯
ડીસા ૪૧.૯
વડોદરા ૪૦.ર
સુરત ૩૮.૬