અમદાવાદ, તા.૧૫
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ફરીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં હવે ગરમીનો અનુભવ થવા લાગી ગયો છે. અમદાવાદમાં આજે સવારમાં ફુલગુલાબી ઠંડી રહ્યા બાદ બપોરના ગાળામાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. પંખા અને એસીનો ઉપયોગ પણ થવા લાગી ગયો છે. આજે અમદાવાદમાં પારો ૧૪.૨ અને નલિયામાં પારો ૧૨ રહ્યો હતો. હજુ તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરીવાર સવારના ગાળામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગઇકાલની સરખામણીમાં આજે લઘુત્તમ તાપમાન ફરી એકવાર ઉલ્લેખનીયરીતે ઘટી ગયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રી થયું હતું જ્યારે ડિસામાં ૧૬, ગાંધીનગરમાં ૧૩, અમરેલીમાં ૧૫.૬, નલિયામાં ૧૨ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૧૬.૪ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની શક્યતા છે પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં તબક્કાવારરીતે વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન વધીને ૧૬ ડિગ્રી થઇ શકે છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે મોર્નિંગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ આવનાર ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ગરમીનો જોરદાર અનુભવ લોકોને થવા લાગશે. આવતીકાલે પારો અમદાવાદમાં ૧૬ સુધી રહેશે જે ગરમીનો અનુભવ કરાવશે.