(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૬
સુરત જિલ્લામાં બેફામ બનેલા રેતી અને માટી ચોરીને નાથવા શરૂ કરાયેલા અભિયાનમાં જિલ્લા ભૂસ્તર વિભાગે ગતરોજ કામરેજના આંબોલી અને મહુવાના કુવાડિયા અને આમચકમાં ત્રાટકી રેતી અને માટીની ગેરકાયદેસર ટ્રકો સાથે ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કામરેજ તાલુકાના આંબોલી ધોરણપારડી, અબ્રામા સહિતના વિસ્તારોમાં તાપી નદીમાં પ્રતિબંધિત વિસ્તારો અને કાયદેસર લીઝધારકો દ્વારા મસમોટી ફાયબર બોટોના થતા ઉપયોગને નાથવા સુરત જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ટી.જે. પટેલ, સ્ટાફના સુપરવાઈઝરો જીજ્ઞેશ દુછડિયા, અહેસાનઅલી વગેરેના સથવારે ઠેકઠેકાણે નદીમાં ઉતરી ફાયબર બોટોને ઉઠાવી લેવાના કરાયેલ આદેશને સારી એવી સફળતા મળી છે. તેના ભાગરૂપે મહુવાના કુવાડિયા ખાતે તાપી નદીમાંથી ચારનાવડી તેમજ બે ટ્રકો રેતી ભરેલી રોયલ્ટી વગરની પકડી પાડી નાવડીઓ ગ્રામપંચાયતમાં તથા ટ્રકો બારડોલી પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. પંચોના જણાવ્યા પ્રમાણે આ કામગીરી પ્રદીપ પ્રવિણ આડે (રહે. વેજલપુર, નવસારી) કરતા હોવાનું ભૂસ્તરખાતાના અધિકારીએ જણાવ્યું હતું. મહુવાના આમચક ખાતે રોયલ્ટી વગરની બે ટ્રકો તેમજ એક જેસીબી મશીનને કબજે લઈ મહુવા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. કામરેજના આંબોલી ખાતે પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં અને ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં બેફામ બનેલા રેતીચોરોને નાથવા લાંબા સમય બાદ ગત સાંજના ત્રાટકતા બે નાવડીઓ હાથ લાગતા ડૂબાડી દઈ તેમજ પાઈપોને પણ કાણા પાડી બિનઉપયોગી બનાવી દેવાયા છે. આમ કુલ ૬૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેથી રેતી-માટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.