(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરત જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામેથી પસાર થતી તાપી નદીમાં હોળી-ધૂળેટી રમીને નદીમાં ન્હાવા પડેલા ત્રણેય મહારાષ્ટ્રીયન યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મૃતકોને નદીમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે જહેમત ઉઠાવી હતી જ્યારે દુર્ઘટનાની જાણ થતાં માંડવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નજીક આવેલા બૌધાન ગામે ધૂળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કલરથી ધૂળેટી રમ્યા બાદ બપોરે યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હતા. જેમાં ત્રણ યુવકો ડૂબી જવાની જાણ થઈ હતી. જેથી સાથે નાહવા પડેલા મિત્રોએ શોધખોળ આદરવાની સાથે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડે સાથે મળીને ડૂબી ગયેલા મૃતકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. માંડવી નજીક આવેલા બૌધાન ગામે તાપી નદીમાં ડૂબીને મોતને ભેટેલા તમામ યુવકો કીમ ખાતે રહેતા હોવાનું જાણવા મળે છે અને સ્થાનિક કારખાનાઓમાં મજૂરી કામ કરતા હતા. ગતરોજ તમામ યુવકો હોળીની રજા હોવાથી હોળી રમ્યા બાદ બૌધાન ખાતે આવેલા મહાદેવ મંદિરના દર્શન કરીને તાપી નદીમાં નાહવા માટે પડ્યા હતા. જેમાં ત્રણેયના મોત નિપજ્યા હતા. મૃતકો મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. માંડવી પોલીસે ઘટનાની ગંભીરતાને પગલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
મૃતકોની નામાંવલી
૧. રામ સંતોષ (ઉ.આ.વ.ર૪) ૨. શશીકાંત પાટીલ (ઉ.આ.વ.ર૭) ૩. દિગમ્બર પવાર (ઉ.આ.વ.ર૭)