(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીડખૂર્દ ગામે વણઝારી પોગારો વિસ્તારમાં તાપી નદીમાં નાવડીમાં બેસીને જતા સુંદરપુર ગામના રહેવાસીઓની નાવડી ભારે પવનના કારણે ઊંધી વળી જતા ૧૩ જણા ડૂબી ગયા હતા. બનાવની જાણ થવાની સાથે ફાયરના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને છ જણાને બચાવી લેવામાં આવ્યા હતા. એક બાળકી સહિત છ જણાની લાશ મળી હતી, જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. બનાવને પગલે જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ધૂળેટીના દિવસે બનેલી ઘટનાને લઈને સુંદરપોર ગામમાં ભારે ગમગની ફેલાઈ જવા પામી છે. તાપી જિલ્લાના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઉચ્છલ તાલુકાના સુંદરપોર ગામના કોંકણી પરિવારના ૧૩ સભ્યો મંગળવારે ધૂળેટી તહેવારને લઈને ઉચ્છલ તાલુકાના ભીડખુંર્દ ગામે વણઝારી પોગારો વિસ્તારમાં હોળીમાં બેસીને પીકનીક કરવા માટે ગયા હતા અને ત્યાંથી સાંજે પરત હોળીમાં બેસીની ફરતા હતા, તે વખતે ભારે પવનના કારણે હોળી ઊંધી વળી જતા તમામ તાપી નદીમાં ડૂબી ગયા હતા. પરિવારજનોએ બચાવો બચાવોની બૂમો પાડતા સ્થાનિક લોકો તેમજ તરવૈયા દોડી આવ્યા હતા અને ૧૩માંથી છ જણાને બચાવી લીધા હતા. બીજી તરફ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર દ્વારા તાપી નદીમાં ડૂબેલાઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ગઈકાલથી અત્યાર સુધીમાં એંજલ ડેવિડ કોકણી, રાજેશ બલિરામ સહિત છ જણાના મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે બાકીના એક જણાની શોધખોળ ચાલી રહી છે. બનાવની જાણ થવાની સાથે તાપી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
નસીબદાર વ્યકિતઓની યાદી
જિગ્નેશ દેવજીભાઇ વળવી (૩૦)
જિગ્નેશ ભરતભાઇ કોંકણી (૧૭)
યાકુબ ભિવસન કોંકણી (૨૮)
ગણેશ રતુભાઇ કોંકણી (૨૬)
અમીત પારત્યાભાઇ ગામીત (૨૮)
વિકાસ રાજેશભાઇ ગામીત (૧૫)
પાણીમાં ગરક થયેલા વ્યક્તિ
અભિષેક રાજેશભાઇ કોંકણી(૧૨)
મૃતકના નામો
અંજના રાજેશભાઇ કોંકણી(૧૪)
રાજેશ બલીરામ કોંકણી(૩૩)
વિનોદ બુધીયા કોંકણી (ઉ.વ.૧૮)
આરાધ્યબેન સુકલાલ કોંકણી(૭)
ઉર્મિલાબેન રતુભાઇ કોંકણી(૨૦)
એંજલ ડેવિડભાઇ કોંકણી (૫)