(એજન્સી)    ચેન્નાઈ,તા.૨૬

મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારના નિર્ણયમાં દરમિયાનગીરી  કરવા ઇન્કાર કરતા કહ્યું કે કોર્ટે સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં પોતાની ચાંચ મારવી નહિ જોઈએ. એ સાથે કોર્ટે સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ રદ્દ કરી હતી. સરકારે આ વર્ષે ૧૦માં ધોરણના બધા જ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા લીધા વિના પાસ જાહેર કર્યા હતા.

રાજ્ય સરકારે ૯ અને ૧૦મી જૂને આદેશ પસાર કર્યો હતો અને શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે મહામારીના લીધે ૧૦મા ધોરણના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના પાસ કરવામાં આવે છે. એમના ત્રિમાસિક અને છ માસિક દેખાવ અને હાજરી મુજબ મૂલ્યાંકન કરી માર્ક્સ આપવામાં આવશે. સરકારનો આ આદેશ રદ્દ કરવા માંગણી કરાઈ હતી.

અરજદારોએ કોર્ટને વિંનતી કરી હતી કે સરકારને આદેશ આપવમાં આવે કે અંતિમ વર્ષના પરિણામો મહત્વપૂર્ણ હોય છે એ માટે માર્ક્સ આપવા માટે સરકારે આંતરિક મૂલ્યાંકન માટે યોગ્ય અને વ્યાજબી સિસ્ટમ અપનાવવી જોઈએ અને વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપવી જોઈએ.

હાઇકોર્ટે અરજી રદ્દ કરતાં જણાવ્યું કે સરકારે માર્ક્સ આપવા માટે સંપૂર્ણ વિચારણા કર્યા પછી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય સિસ્ટમ અપનાવી હશે. કોર્ટે કહ્યું કે સરકારની સિસ્ટમથી ઘણા વિદ્યાર્થીઓ સહમત નહિ પણ હોઈ શકે અને તેઓ કંઇક બીજી પદ્ધતિ વિચારતા હશે. કોર્ટે કહ્યું કે એકમાત્ર આ કારણના લીધે અમે સરકારના નિર્ણયમાં દરમિયાનગીરી નહિ કરીએ. અમુક એવા ક્ષેત્રો હોય છે જે સંપૂર્ણપણે સરકારને સોંપવા જોઈએ અને કોર્ટે વારેઘડીએ સરકારની કામગીરીમાં દાખલ ના કરવી જોઈએ. જો કોર્ટ સંતુષ્ટ હોય કે સરકારનો નિર્ણય મનસ્વી, અયોગ્ય, પૂર્વગ્રહયુક્ત અને ગેરવ્યાજબી નથી તો કોર્ટે સરકારના નીતિવિષયક નિર્ણયોમાં પોતાની ચાંચ ડૂબાડવી ના જોઈએ.