(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૯
આણંદ જિલ્લાના તારાપુર ગામે રહેતા ભરવાડ શખ્સે ૨૦૧૩ના વર્ષમાં વીજ મીટરમાં છેડછાડ કરી વીજ ચોરી કરી હોવાનું વીજ ચેકિંગમાં ઝડપાઈ જતા વીજ કંપની દ્વારા તેઓને દંડ સાથેનું બિલ ફટકારવામાં આવ્યું હતું, તે ગ્રાહક દ્વારા વીજ બિલ અને દંડના નાણાં નહીં ચૂકવતા વીજ કંપની દ્વારા ગ્રાહક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આણંદના ત્રીજા એડિશનલ સેશન્સ જજે ગ્રાહકને વીજ ચોરીના ગુનામાં કસુરવાર ઠેરવી બે વર્ષની સખ્ત કેદ અને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. મળતી વિગતો અનુસાર તારાપુર પેટા વિભાગમાં વર્ષ ૨૦૧૪માં નાયબ ઈજનેર તરીકે કેતનકુમાર મનુભાઈ શાહ ફરજ બજાવતા હતા.દરમિયાન તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તારાપુર ગામે રહેતા ગોવિંદભાઈ દેવાભાઈ ભરવાડની મીટર બળી જવાની ફરિયાદ આવી હતી. જેથી હિતેશભાઈ પટેલ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તપાસ માટે ગયા હતા. તેમને મીટર શંકાસ્પદ જણાયું હતું. જેથી તેમણે આ મીટર લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. જેમાં વીજ મીટર સાથે ચેંડા કરાયા હોવાનું તેમજ વીજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરવામાં આવી હોવાનું ખૂલતા વીજ કંપની દ્વારા વીજ ગ્રાહક ગોવિંદભાઈને દંડનીય પુરવણી બિલ આપવામાં આવ્યું હતું, જે તેમણે ચૂકવ્યું નહોતું. એટલે તેમના વિરૂદ્ધ વીજચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. તારાપુર પોલીસે તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ આણંદના ત્રીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વાય એચ ઠાકરએ દલીલો રજૂ કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાકી આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ ભરવાડને વીજ ચોરીના ગુનામાં કસુરવાર ઠેરવી ધ ઈલેક્ટ્રીક્ટ સીટી એક્ટ ૨૦૦૩ની કલમ ૧૩૫(૧)ના ગુનામાં બે વર્ષની સખ્ત કેદ અને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો.