(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૪
આણંદ જિલ્લાનાં તારાપુરનાં વિદ્યાનગર આણંદની કોલેજોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. પરંતુ તારાપુર ડેપોમાં કોલેજના સમયે માત્ર ત્રણ રૂટ દોડાવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ મુસાફરી કરવી પડે છે. તેમ છતાં બસમાં બેસી ના શકાય તો ખાનગી વાહનોના આસરો લેવો પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓએ તારાપુર ડેપોમાં વારંવાર રજૂઆત કરી રૂટ વધારવાની માંગ કરી હતી. તેમ છતાં રેઢિયાળ એસ.ટી.નિગમ દ્વારા કોઇ જ પગલાં ન લેવા આખરે વિદ્યાર્થીઓ આજે તારાપુર એસટી ડેપોમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઘેરાવો કરીને હંગામો મચાવીને એસટી બસો રોકીને ચક્કાજામ કરી આંદોલન કર્યુ હતું. બે કલાક સુધી એસટીબસો રોકતાં મુસાફરો અટવાઇ ગયા હતા. આખરે પોલીસ દોડી આવી હતી. અને વિદ્યાર્થીઓને સમજાવીને મામલો થાળે પાડયો હતો.
મળતી વિગતો અનુસાર તારાપુર બસ સ્ટેન્ડથી વિદ્યાનગર-આણંદ કોલેજોમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાય સમયથી બસોમાં જગ્યાના અભાવે રખડી પડવાની હાડમારીને કારણે આજે તારાપુર બસ સ્ટેન્ડમાં ચક્કાજામ કરી આંદોલન કર્યુ હતું. તારાપુર તેમજ તેની આજુબાજુના ૨૦થી ૨૫ ગામોના ૩૦૦થી ૪૦૦ વિદ્યાર્થીઓ તારાપુરથી આણંદ-વિદ્યાનગર તેમજ ચારૂતર યુનિવર્સિટીની કોલેજોમાં રોજીંદા અપડાઉન કરે છે. પરંતુ એસટી નિગમનું રેઢિયાળતંત્ર આ વિદ્યાર્થીઓની આવન-જાવન માટે કોઇ કાયમી વ્યવસ્થા કરતું નથી. જેને કારણે સવારે તારપુરથી આણંદ જતાં પેસેન્જરોે ભરેલી ત્રણેક બસોમાં વિદ્યાર્થીઓને ઊભા ઊભા ગીચો ગીચ મુસાફરી કરવી પડે છે. જેમાં આગળ જતાં સોજિત્રા, પીપળાવ, સુણાવના વિદ્યાર્થીઓ પણ ખેંચતા હોઇ જગ્યાની બાબતમાં બોલાબોલી અને મારામારીના બનાવો બને છે. ગીચોગીચ બસોમાં ધક્કા મુક્કી કરી વિદ્યાર્થીઓ માંડ પ્રવાસ કરી લે છે પણ વિદ્યાર્થિનીઓને એવી પરિસ્થિતિમાં ભારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે.
એસટી ડેપોનાં કંટ્રોલરે પોલીસને ફોન કરી બોલાવ્યા તો પોલીસ પણ વિદ્યાર્થીઓના આંદોલનના વિખેરવાના પ્રયત્નો કર્યા બે કલાક બાદ પોલીસની સમજૂતીથી બસો જવા દીધેલ પરંતું વિદ્યાર્થીઓ દ્વારા બે કહેવાય છે કે બે દિવસમાં નવી બસો નહિ ફાળવાય તો આ વખતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે.