(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૬
ગીરમાં સાવજોના મોતનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં દલખાણિયા રેન્જમાં ૧૦થી વધુ સિંહોનાં મોત નિપજ્યાં હતા. ત્યારે આજે તાલાલા પંથકના આંબળાશમાંથી સિંહણનો મૃતદેહ મળી આવતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચકચાર મચી જવા પામી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ત્રણ સિંહબાળ લાપતા થઈ ગયા છે ! ત્યારે પ્રશ્ન એ થાય છે કે વન વિભાગના ટ્રેકરો અને ગાર્ડ કઈ કામગીરી બજાવે છે ? પ્રાપ્ત માહિતી અનુસાર તાલાલાના આંબળાશ ગામે ખીમાભાઈ ભોળાનાં ખેતરમાં તુવેરના ઊભા પાકમાંથી દુર્ગંધ આવતી હતી. જેથી ખેડૂતે તપાસ કરતાં તેણે જોયું કે, એક સિંહણનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં તેમના ખેતરમાં પડ્યો છે. ખેડૂતે તાત્કાલિક વનવિભાગને જાણ કરતા વનખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમ દ્વારા સિંહણના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો તથા તાત્કાલિક અગ્નિ સંસ્કાર કરી ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરાયો હતો. ટીમ દ્વારા વધુ તપાસ કરાતા આ સિંહણના ત્રણ બચ્ચા લાપતા હોવાનું જાણવા મળેલ છે. હાલ વનવિભાગ દ્વારા સિંહણના મોત અંગે મૌન ધારણ કર્યું છે ! તાલાલા રેન્જમાં વનવિભાગના પેટ્રોલિંગની પોલ ખુલી છે. ત્રણેય સિંહબાળને શોધવા વનવિભાગ ધંધે લાગ્યું છે. વનતંત્રની કામગીરી સામે પ્રશ્ન ઉદ્‌ભવી રહ્યો છે તથા તંત્ર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં ઊંઘતું જોવા મળી રહ્યું છે. હાલ, સિંહણના પીએમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સામે આવશે.