(એજન્સી) કાબુલ, તા.૧
બુધવારે અફઘાનિસ્તાનમાં કંદાહર-ઉરુઝગાન હાઈ-વે પર આવેલ પોલીસ ચોકી પર તાલિબાન વિદ્રોહીઓએ હુમલો કરતાં પાંચ પોલીસકર્મીઓનાં મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે, તેમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.
કંદાહર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલિબાનના આતંકીઓએ અફઘાન રાષ્ટ્રીય લશ્કરનો ગણવેશ પહેરેલ હતો અને તેઓએ પોલીસ ચોકી પર અચાનક હુમલો કર્યો હતો. આ આતંકીઓએ હાઈવે પરથી પસાર થતી બસ પર પણ હુમલો કર્યો હતો અને બસના મુસાફરોનું અપહરણ પણ કર્યું હતું.
કંદાહર પોલીસના સામાન્ય વડા અબ્દુલ રઝીકે કહ્યું કે, તાલિબાની આતંકીઓ દ્વારા બંદી બનાવવામાં આવેલ મુસાફરોને સુરક્ષિત રૂપે મુક્ત કરાવવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. બંદી બનાવવામાં આવેલા લોકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે અને આતંકીઓ સાથે તેમણે કરેલા સંઘર્ષ બાદ તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. જો કે, તેમણે તે જણાવ્યું નથી કે કેટલા પોલીસકર્મીઓનું અપહરણ થયું છે. જો કે, આ હુમલા અંગે તાલિબાને કોઈપણ જવાબદારી લીધી નથી. કાબુલમાં દ્વિતીય કાબુલ પ્રોસેસ કોન્ફરન્સ ચાલી રહી છે અને તેમાં જુદા-જુદા રપ દેશોના અધિકારીઓ સામેલ થયા છે ત્યારે આ હુમલાની ઘટના સામે આવી છે. હાલ ચાલી રહેલી આ બેઠકનો ઉદ્દેશ સરહદ પર થતા આતંકવાદનો અંત લાવવાનો અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે.