કાબૂલ,તા.૭
તાલિબાન સામે અફઘાનિસ્તાનની સેનાએ મોટી કાર્યવાહી કરી છે. અને ૩ અલગ અલગ સ્થાનો પર એરસ્ટ્રાઈકમાં ૨૯ આતંકીઓને ઠાર કર્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની સેનાની કાર્યવાહીમાં તાલિબાનનો એક ગુપ્તચર અધિકારી પણ માર્યો ગયો છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે, હેલમંડ પ્રાંતના નાદ અલી જિલ્લામાં તાલિબાની સમૂહ પર હવાઈ હૂમલામાં તાલિબાનના ૧૦ સદસ્યોને ઠાર કરવામાં આવ્યાં છે. મંત્રાલયે દાવો કર્યો છે કે, નાદ અલી જિલ્લામાં એક તાલિબાની ગુપ્તચર અધિકારીને પણ મારી નાંખવામાં આવ્યો છે અને આ હૂમલામાં તાલિબાનના એક ગવર્નર પણ ઈજાગ્રસ્ત થયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, કાલે થયેલા હવાઈ હૂમલામાં કુંડુઝ પ્રાંતમાં ઈમામ સાહેબ અને ખાન અબાદ જિલ્લામાં ૧૨ તાલિબાની માર્યા ગયા હતા. જ્યારે અન્ય ૬ ઈજાગ્રસ્ત થયા છે. તે સિવાય તાલિબાનના ૨ કિલો અને વ્યાપક પ્રમાણમાં હથિયારો અને દારૂગોળાને પણ નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. આ સિવાય જાબુલ પ્રાંતમાં શિંકાઈ જિલ્લામાં કરવામાં આવેલા હવાઈ હૂમલામાં ૭ તાલિબાની માર્યાં ગયાં છે. જ્યારે અન્ય ૩ ઈજાગ્રસ્ત થયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, તેની સાથે જ શાહરી સફા જિલ્લામાં સાર્વજનિક રસ્તા પર તાલિબાન દ્વારા લગાવવામાં આવેલા ૪ આઇઇડીએસને શોધીને એએનએ દ્વારા ડિફ્યુઝ કરવામાં આવ્યાં છે.