અમદાવાદ, તા.૭
આત્મનિર્ભર ભારતના લક્ષને પહોંચી વળવા માટે ગુજરાત સમગ્ર દેશને નવો રાહ ચીંધશે. દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થાય તે માટે કેન્દ્ર સરકારે રૂા.૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે જેનો મહત્તમ લાભ ગુજરાત મેળવી રહ્યુ છે. રાજ્યના વેપારીઓ, નાના-મધ્યમ ઉધોગગૃહ સહિત લોકોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે પણ ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે જેના લાભો લાખો નાગરિકોને મળતા થયા છે અને ગુજરાત હવે પુનઃ ધમધમતુ થયું છે. આગામી સમયમાં તાલુકા મથકે ૧૦૦ ઉદ્યોગકારો ભેગા થઈને નક્કી કરે તે વિસ્તારમાં જીઆઈડીસી સ્થાપવા સરકારે નિર્ધાર કર્યો છે. એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ખાતે ૪૭ હેક્ટરમાં નવનિર્મિત જી.આઇ.ડી.સી.માં ઉધોગકારોને પ્લોટની ડ્રો દ્વારા ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રીએ ફાળવણી કરી હતી. તેમણે ઉમેર્યુ કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન થાય એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે આ દિશામાં આ જી.આઇ.ડી.સી. એક નક્કર કદમ સાબિત થશે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સી.નો સિંહ ફાળો રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ ૨૧૩ જેટલી જી.આઇ.ડી.સી. કાર્યરત છે અને આગામી સમયમાં તાલુકા મથકે ૧૦૦ ઉધોગકારો ભેગા થઇને જે વિસ્તાર નક્કી કરે ત્યાં જીઆઇડીસી સ્થાપવાનો પણ અમારો નિર્ધાર છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણી બજાર કિંમતે થતી હતી. અમારી સરકારે નાના સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સસ્તી જમીન મળી રહે એ માટે જંત્રીના ભાવે જમીન સહિત માળખાગત સવલતો માર્ગ, ગટર બનાવીને આપવાનો નિર્ણય કર્યો છે, એ જ રીતે પ્લોટની ફાળવણીમાં પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા કાળમાં લોકડાઉન દરમિયાન ઉદ્યોગ-ધંધા ઠપ્પ્‌ થઈ ગયા હતા અને રાજ્યની આવક પણ ઘટી હતી તેવા સમયે ગુજરાત પુનઃ ધમધમતું થાય એ માટેના પ્રયાસો અમે કર્યા છે. જેના પરિણામે લોકડાઉન પહેલા ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ ગૃહો વીજ વપરાશ કરતા હતા તે ગત અઠવાડિયે એટલો જ વીજ વપરાશ થઇ ગયો છે અને પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ વધી રહ્યું છે એ જ દર્શાવે છે કે ગુજરાત હવે પુનઃ ધબકતું થયું છે.
પટેલે એઠોર ખાતે નિર્મિત જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણીથી જે ઉદ્યોગકારોને પ્લોટ મળ્યા છે તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તેઓ હવે ઝડપથી તમામ મંજૂરીઓ મેળવીને તેમના એકમો ઝડપથી ઉત્પાદનમાં લાવી દે એ માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે એઠોર ખાતે ૨૭૯ પ્લોટ બનાવાયા છે અને ૨૪૫ પ્લોટ માટે ૧૧૩૫ જેટલી અરજીઓ આવી અને ડ્રો દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.