(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫માં ગોપી તળાવના ઐતિહાસિક વારસાની જાળવણી તથા શહેરીજનોને મનોરંજન માટે શહેરની મધ્યમાં ગોપી તળાવને નવપલ્લવિત કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશની સંસ્કૃતિના જતન અને સંવર્ધન સાથે ભાવિ પેઢીને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા તા.૨૬થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન ગોપી તળાવ ખાતે યોજાયેલ ગોપી કલા ઉત્સવ ૨૦૧૮ના પ્રથમ દિવસે તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજ શહેરની તાલગ્રુપ સંસ્થા અને શાળાના બાળકોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમને કલાપ્રેમી નગરજનોએ માણ્યો હતો. બીજા દિવસે તા.૨૭-૧૨-૨૦૧૮ના રોજ નૃત્યમ ભરત નાટ્યમ એકેડમી અને નર્તકી ડાન્સ ગ્રુપે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી લોકોને આકર્ષિત કર્યા હતા. ત્રીજા દિવસે તા.૨૮-૧૨-૨૦૧૮ના રોજ કર્મર્સુ આર્ટસ સંસ્થાએ જાદુ કળા દ્વારા દેશભક્તિનો સંદેશ, વ્યસન મુક્તિ પર મેસેજ આપતો જાદુ, વ્યસન મુક્તિની થીમ પર ડાન્સ, સ્વચ્છ ગુજરાતની વાતો સાથે જાદુ, બેટી બચાવોની થીમ ડાન્સ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત જનમેદની અને ખાસતો બાળકોને ભરપૂર મનોરંજન પુરૂં પાડવા સાથે બેટી બચાવો, સ્વચ્છ ગુજરાત, વ્યસનમુક્તિ અને દેશબક્તિ સંદેશ આપ્યો હતો. તા.૨૯-૧૨-૨૦૧૮ના રોજ દિવ્યાંગ બાળકોનો ઓરકેસ્ટ્રામાં રજૂ થયેલ ગીતોને માણી સંગીત પ્રેમી નગરજનો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
જ્યારે બાળકોના મનોરંજન માટે અલગ-અલગ ૧૦ જેટલી રાઈડ મૂકવામાં આવી હતી. ગોપી તળાવમાં આવેલ ફૂડ ઝોનમાં વિવિધ વાનગીઓના રસાસ્વાદ માણતા, બાળ મનોરંજન સાથેના રંગારંગ કાર્યક્રમોને માણવા પાંચ દિવસમાં ૧૬,૪૫૦ જેટલા નગરજનોએ મુલાકાત લીધી હતી. તા.૨૬થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન સળંગ છ દિવસ યોજાયેલ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા.૩૦-૧૨-૨૦૧૮ના રોજ હારમોનીકા ક્લબનો હારમોનીકા પર મેલોડીને ફ્લ્યુટ ફ્યુઝન અને શ્રી વૃષ્ટિ શાહના સથવારે ગીતોનો ગુલદસ્તો કાર્યક્રમને સંગીતપ્રેમી નગરજનોએ માણ્યો હતો.